અમેરિકાની કડકાઈથી ભારત-ઈરાન વેપાર પર સંકટ : નિકાસકારો સહિત ચાબહાર પ્રોજેક્ટ સામે પણ પડકાર

અમેરિકાએ ઈરાનને વૈશ્વિક અર્થતંત્રથી અલગ પાડવા માટે આર્થિક દબાણ વધુ કડક બનાવવાની જાહેરાત કરતાં ભારત-ઈરાન વેપાર સંબંધો પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. અમેરિકાની નવી રણનીતિમાં ઈરાનના નાણાકીય માળખા, તેલની આવક, શિપિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર નેટવર્કને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેની સીધી અસર ભારતીય નિકાસકારો, બેંકો, શિપિંગ કંપનીઓ અને ઈરાન સાથે વેપાર કરતા ઉદ્યોગો પર પડવાની શક્યતા છે.

ભારત-ઈરાન વેપારમાં મોટો ઘટાડો

એક સમયે ભારત ઈરાનના મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાં સામેલ હતું, પરંતુ અમેરિકી પ્રતિબંધો બાદ બંને દેશો વચ્ચેનો વેપાર મોટા પ્રમાણમાં ઘટ્યો છે. 2018-19માં બંને દેશો વચ્ચે રૂ.36,371 કરોડથી વધુનો વેપાર થયો હતો. તે સમયે ભારતે ઈરાનને રૂ.5,685 કરોડનો માલ નિકાસ કર્યો હતો, જ્યારે ઈરાન પાસેથી રૂ.30,685 કરોડથી વધુની આયાત કરી હતી.

હવે વેપારનું સ્વરૂપ બદલાઈ ગયું છે. 2025-26માં દ્વિપક્ષીય વેપાર આશરે રૂ.14,483 કરોડ રહ્યો હતો. તેમાં ભારતની નિકાસ રૂ.11,113 કરોડ જ્યારે ઈરાનથી આયાત આશરે રૂ.3,325 કરોડ રહી હતી. આમ, હવે બંને દેશો વચ્ચેનો વેપાર અગાઉની સરખામણીમાં ઘણો નાનો થઈ ગયો છે.

ચોખા-મસાલાથી દવાઓ સુધીની નિકાસને અસરની ભીતિ

ભારતથી ઈરાનમાં મુખ્યત્વે ચોખા, ચા, કોફી, મસાલા અને દવાઓ જેવી ચીજવસ્તુઓની નિકાસ થાય છે. અમેરિકાના નવા પ્રતિબંધો વધુ કડક બનશે તો આ વેપાર માટે ચુકવણી, બેન્કિંગ, વીમો અને શિપિંગની સમસ્યાઓ વધી શકે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતીય માલનો મોટો હિસ્સો દુબઈના બંદર મારફતે ઈરાન પહોંચે છે. પ્રતિબંધોના કારણે નિકાસકારોના ખર્ચમાં વધારો થાય અથવા બેન્કિંગ વ્યવહારોમાં અડચણ આવે તો પહેલેથી નબળા પડી ચૂકેલા ભારત-ઈરાન વેપારને વધુ નુકસાન થઈ શકે છે.

ચાબહાર પ્રોજેક્ટ માટે પણ પડકાર

ઈરાનમાં ભારત દ્વારા વિકસાવવામાં આવેલું ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. આ બંદર મારફતે ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના બજારો સુધી પહોંચવાનો વૈકલ્પિક માર્ગ મળે છે. ઈરાન પર અમેરિકાનું દબાણ વધતાં ચાબહાર સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ અને વેપારી પ્રવૃત્તિઓ સામે પણ અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે.

ઈરાની તેલની આયાતમાં ભારે ઘટાડો

અમેરિકી પ્રતિબંધો બાદ ભારતે ઈરાનથી કાચા તેલની આયાતમાં મોટો ઘટાડો કર્યો છે. ઈરાન સાથેના સંઘર્ષ અને હોર્મુઝ જળમાર્ગના સંકટ વચ્ચે ભારતે વૈકલ્પિક દેશોમાંથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી છે.

નિષ્ણાતોના મતે જો ઈરાનનું ક્રૂડ ઓઈલ વૈશ્વિક બજારમાંથી મોટા પ્રમાણમાં બહાર થઈ જાય તો પુરવઠા પર દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો આવી શકે છે, જેની અસર પેટ્રોલ-ડીઝલ, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પર પડી શકે છે.

અમેરિકાએ અનેક ક્ષેત્રો પર કડક નિયંત્રણો મૂક્યા

અમેરિકાની નવી નીતિમાં ઈરાનના વિવિધ આર્થિક ક્ષેત્રોને નિશાન બનાવવામાં આવ્યા છે.

  • ક્રિપ્ટો અને ડિજિટલ એસેટ્સ: ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય ચુકવણી માટે ઉપયોગમાં લેવાતા નાણાકીય નેટવર્ક પર નિયંત્રણ.
  • સોનું: તેલના બદલામાં સોનાના વેપાર મારફતે નાણાં એકત્ર કરવાની વ્યવસ્થા પર નજર.
  • શિપિંગ: ઈરાની તેલ વહન કરતા શેડો ટેન્કરો અને શિપિંગ કંપનીઓ સામે કાર્યવાહી.
  • વિમાનન: એરક્રાફ્ટના સ્પેર પાર્ટ્સ, મેન્ટેનન્સ અને અન્ય સેવાઓ પર નિયંત્રણ.
  • ટેકનોલોજી: ડ્રોન, મિસાઈલ અને સૈન્ય ઉપયોગી માઈક્રોચિપ્સ, સેન્સર્સ તથા ટેક્નોલોજીની નિકાસ પર નિયંત્રણ.
  • નાણાકીય નેટવર્ક: બેંકો, શેલ કંપનીઓ અને મની એક્સચેન્જ મારફતે થતી લેવડદેવડને નિશાન બનાવવી.

ચીન સૌથી મોટો ખરીદદાર

ઈરાનના મુખ્ય નિકાસ ભાગીદારોમાં ચીન, ઈરાક, UAE અને તુર્કીયેનો સમાવેશ થાય છે. ઈરાની ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર ચીન છે. અમેરિકાની નવી રણનીતિનો એક મહત્વનો હેતુ ઈરાનની તેલ આવક ઘટાડવા ઉપરાંત તેના મુખ્ય વેપારી ભાગીદારો સાથેના નાણાકીય સંબંધોને પણ નબળા પાડવાનો છે.

આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઈરાન સાથે વેપાર કરતા ભારતીય નિકાસકારો માટે ખર્ચ અને જોખમ બંને વધી શકે છે. સાથે જ વૈશ્વિક તેલના ભાવ, શિપિંગ ખર્ચ અને સપ્લાય ચેઇન પર પણ તેની અસર પડવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें