ગ્લેશિયર તળાવ ફાટતાં તબાહી; 4200 સૈનિકો મેદાનમાં, ચીને સેટેલાઇટ-ડ્રોનથી બચાવ કામગીરી તેજ કરી, નવી આફતનો ખતરો
નવી દિલ્હી, 28: નેપાળમાં કુદરતે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં ગ્લેશિયર તળાવ ફાટવાથી સર્જાયેલા વિનાશક પૂરએ અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. ધસમસતા પાણી સાથે આવેલા કાદવ અને કાટમાળે મકાનો, રસ્તાઓ, પુલો અને વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ જળ હોનારતમાં મૃત્યુઆંક 469 સુધી પહોંચી ગયો છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ લાપતા છે. મૃતકોનો આંકડો હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળના ઢગલાઓમાંથી જીવિત લોકોને બહાર કાઢવાની સાથે મૃતદેહોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને સંદેશાવ્યવહારની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાથી બચાવ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્લેશિયર તળાવ ફાટતાં પાણી સાથે કાટમાળની સુનામી
નેપાળ-તિબેટ સરહદને જોડતા પહાડી વિસ્તારમાં વિશાળ હિમશીલા તૂટ્યા બાદ ગ્લેશિયર તળાવ ફાટ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. તળાવમાંથી અચાનક મોટા પ્રમાણમાં પાણી બહાર આવતા ધસમસતા પ્રવાહે નીચેના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો.
પાણીની સાથે માટી, પથ્થરો અને અન્ય કાટમાળ પણ મોટા પ્રમાણમાં વહી આવ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તાર જાણે લિક્વિડ કોન્ક્રીટથી ઢંકાઈ ગયો હોય તેવું દૃશ્ય સર્જાયું છે. અનેક લોકો આ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
નેપાળ ઉપરાંત તિબેટના કેટલાક વિસ્તારોમાં પણ આ કુદરતી હોનારતની અસર જોવા મળી છે. હેલિકોપ્ટરની મદદથી મુશ્કેલ વિસ્તારોમાં પહોંચીને લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
4200 સૈનિકો બચાવ અભિયાનમાં
વિનાશક પૂર બાદ નેપાળ સરકારે બચાવ કામગીરીને વધુ વ્યાપક બનાવતા સૈન્યના આશરે 4200 જવાનોને મેદાનમાં ઉતાર્યા છે. સૈનિકો અને સ્થાનિક બચાવ ટીમો કાટમાળ હટાવીને લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે.
કેટલાક વિસ્તારોમાં ભારે કાટમાળ અને રસ્તાઓના ધોવાઈ જવાથી જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ બન્યું છે. આવા સ્થળોએ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
નવી આફતનું જોખમ, લેવલ-4 ઇમરજન્સી
એક તરફ પૂરનો વિનાશ ચાલુ છે ત્યારે બીજી તરફ વધુ એક કુદરતી આફતનો ખતરો ઊભો થયો છે. બે નદીઓના સંગમ નજીક નવું સરોવર બન્યું હોવાનું સામે આવ્યું છે. આ સરોવરમાં હાલમાં અંદાજે 20 લાખ ક્યુબિક મીટર પાણી ભરાયું હોવાનું જણાવાય છે.
જો વરસાદ સતત ચાલુ રહે તો સરોવરમાં પાણીનો જથ્થો 32 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી શકે છે. પાણીનો દબાણ વધતાં સરોવર તૂટી જવાની શક્યતા છે અને જો આવું થાય તો ફરી એકવાર વિનાશક પૂર આવી શકે છે.
આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા સરોવર પર સતત નજર રાખવામાં આવી રહી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે અને લેવલ-4ની ઇમરજન્સી જાહેર કરીને તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.
ચીને સેટેલાઇટ અને ડ્રોન મેદાનમાં ઉતાર્યા
નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત વચ્ચે ચીને પણ બચાવ અને રાહત કામગીરીમાં મદદ શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવા સેટેલાઇટ, ડ્રોન અને અન્ય માનવરહિત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ટેકનોલોજીની મદદથી એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં માનવ બચાવ ટીમો માટે પહોંચવું મુશ્કેલ છે. લાપતા લોકોની શોધ અને નવા જોખમી વિસ્તારોની માહિતી મેળવવામાં પણ આ સાધનો મદદરૂપ બની રહ્યા છે.
નુવાકોટમાં કુદરતનું સૌંદર્ય મોતના મંજરમાં ફેરવાયું
નેપાળના નુવાકોટ જિલ્લામાં બુધવાર પહેલાં પહાડો અને ખીણો કુદરતના અદભૂત સૌંદર્યથી ભરપૂર હતાં. અહીં આવનારા પ્રવાસીઓ અને યાત્રાળુઓ પ્રકૃતિના મનમોહક દૃશ્યોનો આનંદ માણતા હતા. પરંતુ અચાનક આવેલા મહાપૂરે સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખ્યું.
દેવીઘાટ વિસ્તારમાં પૂરએ ભારે વિનાશ સર્જ્યો છે. જ્યાં થોડા સમય પહેલાં હરિયાળી, પહાડો અને ખીણોનું સૌંદર્ય જોવા મળતું હતું ત્યાં હવે કાદવ, કીચડ અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે.
ગ્લેશિયર તળાવ ફાટવાથી ધસમસતા પાણી સાથે આવેલા કાટમાળે અનેક બાંધકામોને દબાવી દીધા છે. અનેક જિંદગીઓ આ કાટમાળ નીચે દટાઈ ગઈ હોવાની આશંકા છે. સેનાના જવાનો જીવિત લોકોને શોધવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
‘કલ ચમન થા, આજે યે સહેરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ…’
નુવાકોટના વર્તમાન દૃશ્યો જાણે આ પંક્તિઓને સાકાર કરતા હોય તેવા છે.
ઈશા ફાઉન્ડેશનના 80 યાત્રાળુ લાપતા
આ વિનાશક પૂરની અસર કૈલાસ માનસરોવર યાત્રાળુઓ પર પણ પડી છે. નેપાળ-તિબેટ સરહદના ગ્યિરૉંગ વિસ્તારમાં ઈશા ફાઉન્ડેશનના કૈલાસ માનસરોવર યાત્રા જૂથના આશરે 80 સભ્યો લાપતા હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટનાને પગલે યાત્રાળુઓના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ પણ આ ઘટનાની જાણકારી આપતી વખતે ભાવુક થઈ ગયા હતા.
સદગુરુ હાલમાં તિબેટના સાગા વિસ્તારમાં હોવાનું જણાવાયું છે. તેમના જણાવ્યા પ્રમાણે યાત્રાળુઓ કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા અને ગ્યિરૉંગના સ્થળાંતર કેન્દ્રમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક પૂરનું પાણી ધસી આવ્યું હતું અને ગણતરીની ક્ષણોમાં આખું મકાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું.
9.05 વાગ્યે છેલ્લો સંદેશ, 9.14 વાગ્યે સંપર્ક તૂટ્યો
સદગુરુના જણાવ્યા મુજબ જૂથના આગેવાન ઈશાંગ પ્રવીણે સવારે 9.05 વાગ્યે સંદેશ મોકલીને તેઓ સ્થળાંતર કેન્દ્ર પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. માત્ર નવ મિનિટ બાદ એટલે કે સવારે 9.14 વાગ્યે પૂરનું પાણી સ્થળાંતર કેન્દ્રમાં ઘૂસી આવ્યું હતું.
ત્યારબાદ સમગ્ર જૂથ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રવીણ લાંબા સમયથી ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા હોવાનું જણાવતાં સદગુરુ ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ તેમનો નેપાળનો ફોન નંબર પણ સક્રિય ન થયો હોવાનું જણાવાયું છે.
સદગુરુ અસરગ્રસ્ત વિસ્તારમાં જવા માગે છે
સદગુરુએ અસરગ્રસ્ત વિસ્તારમાં જાતે પહોંચવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. જોકે પૂરથી રસ્તાઓ અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ જતાં ત્યાં પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
તેમણે ભારતીય, ચીની અને અમેરિકી દૂતાવાસના માધ્યમથી ગ્યિરૉંગ જવાની મંજૂરી માગી હોવાનું જણાવ્યું છે. તેઓ નાની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને બચાવ કામગીરીમાં મદદ કરવા અને લાપતા યાત્રાળુઓની શોધમાં જોડાવા માગે છે.
ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલ સલામત
કૈલાસ માનસરોવર યાત્રા પર ગયેલા લોકોમાં ગુજરાતી અભિનેત્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માનસી પારેખ ગોહિલનો પણ સમાવેશ થાય છે. સદનસીબે માનસી પારેખ ગોહિલ હાલ તિબેટમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
માનસી પારેખ ગોહિલ સદગુરુ તથા અન્ય યાત્રાળુઓ સાથે ચીનની હોટલમાં સુરક્ષિત હોવાનું તેમના પરિવાર તરફથી જણાવાયું છે. ચીન સરકાર દ્વારા તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
‘સાંજ સમાચાર’ દ્વારા માનસી પારેખ ગોહિલના પતિ અને ગાયક પાર્થિવ ગોહિલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં વિનાશક પૂર આવ્યું હતું ત્યાં આ યાત્રાળુઓને આજે જવાનું હતું, પરંતુ સદનસીબે તેઓ તે સમયે સુરક્ષિત સ્થળે હતા.
ગુજરાતના 26 લોકો લાપતા
નેપાળની આ જળ હોનારતમાં ગુજરાતના લાપતા લોકોનો આંકડો વધીને 26 થયો હોવાનું રાજ્ય સરકારના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકાર તથા પરિવારજનો દ્વારા સતત સંપર્કના પ્રયાસો છતાં હજુ સુધી આ 26 લોકોમાંથી કોઈની ભાળ મળી નથી.
લાપતા લોકોમાં રાજકોટ, અમરેલી, અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને વલસાડના લોકોનો સમાવેશ થાય છે. મોટાભાગના લાપતા લોકો બિનનિવાસી ગુજરાતી હોવાનું જણાવાયું છે અને તેઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે.
ગઈ રાત દરમિયાન વધુ આઠ પરિવારો દ્વારા રાજ્ય સરકારનો સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો સાથે સંપર્ક ન થઈ રહ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ લાપતા ગુજરાતીઓની સંખ્યા વધીને 26 થઈ છે.
રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તથા નેપાળ સરકાર સાથે સંકલન કરીને લાપતા ગુજરાતીઓનો સંપર્ક મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
એક તરફ કાટમાળ નીચે દટાયેલી જિંદગીઓની શોધખોળ ચાલી રહી છે અને બીજી તરફ નવા બનેલા સરોવરમાં વધી રહેલા પાણીથી ફરી પૂર આવવાનો ખતરો તોળાઈ રહ્યો છે. નેપાળ માટે હવે દરેક ક્ષણ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.
મૃત્યુઆંક વધતો જાય છે, લાપતા લોકોની સંખ્યા ચિંતાજનક છે અને નવી આફતનો ભય પણ સામે ઊભો છે. કુદરતના આ કાળમુખા કહેર વચ્ચે હવે દુનિયાની નજર નેપાળમાં ચાલી રહેલા બચાવ અભિયાન પર ટકેલી છે.








