જુનિયર ટપુ અને જુનિયર લાલો તરીકે જાણીતા જેનિસ હવે શ્રીકૃષ્ણની ભૂમિકામાં જોવા મળશે
રાજકોટ: રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવે નાની ઉંમરે જ અભિનય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે તેની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. રાજકોટમાં જુનિયર ટપુ અને જુનિયર લાલો તરીકે જાણીતા જેનિસની હવે પ્રતિષ્ઠિત T-Series Regionalમાં ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે.
આગામી 31 ઓગસ્ટ, 2026ના રોજ T-Series Regionalના સત્તાવાર પ્લેટફોર્મ પર ‘ઓ દ્વારિકાવાળા’ ગીત રિલીઝ થવાનું છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ ગીતનું દિગ્દર્શન રાજવિંદરસિંગ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે જલ્પા દક્ષિણીએ ગીતનું નિર્માણ કર્યું છે. ખાસ વાત એ છે કે ગીતનું શૂટિંગ ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી દ્વારિકામાં કરવામાં આવ્યું છે અને તેમાં જેનિસ બુધ્ધદેવ ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ગીતના લોન્ચિંગને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 29 ઓગસ્ટે પોસ્ટર રિલીઝ, 30 ઓગસ્ટે ટીઝર અને 31 ઓગસ્ટે ગીતનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવશે. રાજકોટના યુવા કલાકારને આટલા મોટા પ્લેટફોર્મ પર શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવવાની તક મળતાં રાજકોટના કલા જગતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
અનેક જાણીતી સિરિયલોમાં કરી ચૂક્યો છે અભિનય
જેનિસ બુધ્ધદેવને બાળપણથી જ અભિનય પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. પોતાની પ્રતિભા અને સતત મહેનતના બળે તેણે અત્યાર સુધીમાં અનેક જાણીતી હિન્દી સિરિયલોમાં અભિનય કર્યો છે. જેમાં ‘અહિલ્યાબાઈ’, ‘મેરે સાઈ’, ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘રાધાકૃષ્ણ’ અને ‘ડૉ. બી. આર. આંબેડકર’ જેવી લોકપ્રિય સિરિયલોનો સમાવેશ થાય છે.
સિરિયલો ઉપરાંત જેનિસે ફિલ્મ ક્ષેત્રે પણ કામ કર્યું છે. 2 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયેલી ‘ધમણ’ ફિલ્મમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. નાની ઉંમરથી જ અભિનય ક્ષેત્રે સક્રિય રહેલા જેનિસે પોતાના કામ દ્વારા ધીમે ધીમે મનોરંજન જગતમાં આગવી ઓળખ ઊભી કરી છે.
મુંબઈમાં સંઘર્ષ અને મહેનતનું પરિણામ
અભિનયને પોતાની કારકિર્દી બનાવવાના સપના સાથે જેનિસે મુંબઈમાં પણ લાંબો સંઘર્ષ કર્યો હતો. અનેક પડકારો વચ્ચે તેણે સતત પોતાના અભિનય પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિવિધ પ્રોજેક્ટમાં કામ મેળવ્યું. આજે T-Series જેવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ સુધી પહોંચવું તેની આ મહેનત અને લગનનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.
‘ઓ દ્વારિકાવાળા’ ગીતમાં શ્રીકૃષ્ણની ભૂમિકા જેનિસ માટે અત્યાર સુધીની કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની શકે છે. દ્વારિકાની પાવન ભૂમિ પર થયેલા શૂટિંગમાં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક મળવી રાજકોટના આ કલાકાર માટે વિશેષ ગૌરવની બાબત છે.
જેનિસની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર અને ચાહકો માટે જ નહીં પરંતુ રાજકોટના કલા જગત અને રઘુવંશી સમાજ માટે પણ ગૌરવની ક્ષણ બની છે. તેની સફર યુવા પેઢીને એ સંદેશ આપે છે કે પ્રતિભા સાથે સતત મહેનત, સંઘર્ષ અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા રાખવામાં આવે તો સફળતાના નવા શિખરો સર કરી શકાય છે.








