યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં ચાંચિયાઓએ બે કોમર્શિયલ જહાજોને નિશાન બનાવતાં દરિયાઈ સુરક્ષા સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. બંને જહાજોમાં કુલ 22 ભારતીય નાવિકો સહિત 30 ક્રૂ મેમ્બર સવાર હતા.
યમનના અદન નજીક ‘M.T. Sibu 1’ નામના તેલ ટેન્કરને ચાંચિયાઓએ કબજે કર્યું છે. જહાજ પર કુલ 20 ક્રૂ મેમ્બર હતા, જેમાં 16 ભારતીય નાગરિકો સામેલ છે. મળતી માહિતી મુજબ તમામ ક્રૂ મેમ્બર હાલ સુરક્ષિત છે, પરંતુ જહાજની વર્તમાન સ્થિતિ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
બીજી ઘટનામાં સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક ‘M/V LUTUF’ નામના કાર્ગો જહાજને ચાંચિયાઓએ હાઈજેક કર્યું છે. જહાજમાં કુલ 10 ક્રૂ મેમ્બર હતા, જેમાં 6 ભારતીય નાગરિકો છે. આશરે 8 ચાંચિયાઓએ જહાજ પર કબજો મેળવી તેને નૂગાલ તટ તરફ વાળ્યું હોવાની માહિતી છે.
બંને ઘટનાઓ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. ભારતીય નૌકાદળ અને સંબંધિત દરિયાઈ અધિકારીઓ દ્વારા જહાજો તથા ભારતીય નાવિકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાવિકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરેબિયન સમુદ્ર, અદનની ખાડી અને હોર્ન ઓફ આફ્રિકા જેવા વ્યસ્ત આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ચાંચિયાગીરીની આ ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંબંધિત એજન્સીઓ પાસેથી જરૂરી વિગતો પણ મેળવવામાં આવી રહી છે.









