રાજકોટમાં સ્પોર્ટ્સ બાઇક ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

રૈયા ચોકડીથી બાઇક ચોરી : ચાર શખ્સ ઝડપાયા, 3 ચોરાઉ બાઇક કબજે

રાજકોટના રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે રેકી કરી કિંમતી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં અલગ-અલગ સ્થળેથી ત્રણ બાઇક ચોરી કર્યાની કબૂલાત મળી હતી.

પોલીસે તેમની પાસેથી યામાહા R15, KTM RC 125 અને હીરો સ્પ્લેન્ડર સહિત ત્રણ બાઇક કબજે કરી છે, જેની કુલ કિંમત આશરે રૂ.1.60 લાખ છે. ત્રણ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પકડાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. તેઓ મજૂરી કામ માટે રાજકોટ આવતા અને શહેરમાં રહેતા દરમિયાન મોડી રાત્રે પગપાળા ફરી બાઇકની રેકી કરતા હતા.

હેન્ડલ લોક વગરની સ્પોર્ટ્સ બાઇક નજરે પડે ત્યારે તક ઝડપી ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખતા અને બાઇક રાજસ્થાન લઈ જતા હતા. વતન પરત ફરતી વખતે આ રીતે ચોરેલી બાઇકનો ઉપયોગ કરી સીનસપાટા કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ગાંધીગ્રામ પોલીસની ટીમે બાતમીના આધારે ચારેયને ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આ ગેંગ પાસેથી વધુ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાવાની પણ આશા છે.

Leave a Comment

और पढ़ें