પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતની સુરક્ષાને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું કે લાંબા ગાળે ભારત માટે પાકિસ્તાન કરતાં ચીન મોટો પડકાર છે. આતંકવાદના કારણે ભારતનું ધ્યાન અત્યાર સુધી મુખ્યત્વે પાકિસ્તાન પર કેન્દ્રિત રહ્યું છે, પરંતુ હવે ચીન અનેક મોરચે ભારતનું મુખ્ય પ્રતિસ્પર્ધી બની રહ્યું છે.
પુણેમાં પોતાના નવા પુસ્તકના વિમોચન પ્રસંગે નરવણેએ કહ્યું કે “જો શાંતિ જોઈતી હોય તો યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.” તેમના મતે ચીન સાથેના મતભેદો વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ, પરંતુ સાથે ભારતે પોતાની સૈન્ય શક્તિ અને સંરક્ષણ વ્યવસ્થાને પણ મજબૂત રાખવી જરૂરી છે.
તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન અને ચીન બંને સાથે યુદ્ધ લડી ચૂક્યું છે અને બંને દેશો સાથેના સરહદી વિવાદ હજુ સંપૂર્ણપણે ઉકેલાયા નથી. જોકે બંને દેશો તરફથી ભારત સામેના પડકારો અલગ-અલગ છે.
નરવણેએ ચીનને ભારત માટે આર્થિક, વેપાર, ટેકનોલોજી, રાજકીય અને સૈન્ય ક્ષેત્રે મોટો પ્રતિસ્પર્ધી ગણાવ્યો હતો. તેમના મતે બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતે લાંબા ગાળાની વ્યૂહાત્મક અને સૈન્ય તૈયારીને પ્રાથમિકતા આપવી પડશે.








