સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : હવે 1 વર્ષ વકીલાત બાદ જજ બનવાની તક
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોમાં જજની ભરતી માટેના નિયમોમાં મોટો ફેરફાર કરતાં વકીલાતની ફરજિયાત પ્રેક્ટિસ ત્રણ વર્ષથી ઘટાડીને એક વર્ષ કરી છે. એટલે હવે ન્યાયિક સેવા પરીક્ષામાં બેસવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા એક વર્ષની વકીલાતનો અનુભવ હોવો જરૂરી રહેશે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે પરીક્ષામાં સફળ ઉમેદવારોએ ત્યારબાદ એક વર્ષની પ્રેક્ટિકલ તાલીમ પૂર્ણ કરવી પડશે. તેમાં છ મહિના જિલ્લા ન્યાયાધીશ અથવા ઉચ્ચ ન્યાયિક સેવાના અધિકારી સાથે ક્લર્કશિપ અને છ મહિના હાઈકોર્ટના જજ સાથે ક્લર્કશિપ સામેલ રહેશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાની પ્રેક્ટિસ ન્યાયિક સેવામાં મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો નિયમ એવો હોવો જોઈએ કે યુવા અને પ્રતિભાશાળી કાયદા સ્નાતકોને તકથી વંચિત ન રહેવું પડે. નવા નિયમોના અમલ માટે 31 માર્ચ 2027 સુધીનો સંક્રમણ સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે.








