જંતર-મંતર પર ‘અનામત હટાવો આંદોલન’ને મંજૂરી નહીં : દિલ્હી પોલીસનું સ્પષ્ટીકરણ

દિલ્હીના જંતર-મંતર ખાતે 21 ઓગસ્ટે ‘અનામત સુધાર’ના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાને દિલ્હી પોલીસે ફગાવી દીધી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈપણ આંદોલન કે દેખાવા માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી.

દિલ્હી પોલીસે જણાવ્યું કે નવી દિલ્હી જિલ્લામાં BNSSની કલમ 163 હેઠળ મનાઈ હુકમ પહેલેથી જ અમલમાં છે. આ અંતર્ગત પાંચથી વધુ લોકોને એકઠા થવા, સભા કરવા અથવા વિરોધ પ્રદર્શન યોજવા પર પ્રતિબંધ છે.

આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ‘અનામત હટાવો આંદોલન’ના નામે એક ઈન્સ્ટાગ્રામ પેજ પર જંતર-મંતર ખાતે ‘શાંતિપૂર્ણ વિરોધ’નું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં 21 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે લોકોને જંતર-મંતર પહોંચવાની અપીલ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસે આ પોસ્ટ અને તેના આધારે ફેલાતી માહિતીને બોગસ અને ભ્રામક ગણાવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરે કે તેને સોશિયલ મીડિયા પર આગળ ન ફેલાવે.

સાથે જ પોલીસે ચેતવણી આપી છે કે મનાઈ હુકમનો ભંગ કરીને લોકોને એકત્રિત કરવા અથવા ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें