ભારતમાં પેટ્રોલ બાદ હવે ડીઝલ ગાડીઓ માટે નવો બાયોફ્યુઅલ પ્લાન તૈયાર થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ મિક્સ કરવાના પ્રોજેક્ટ અને તેનાથી ગાડીના એન્જિનને થતા ફાયદાની વિગતો આપી છે
કેન્દ્ર સરકાર ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને વિદેશોમાંથી મંગાવવામાં આવતા મોંઘા તેલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે સતત મોટા પગલાં ભરી રહી છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (E20) ના સફળ પ્રયોગ બાદ, હવે સરકાર ડીઝલ વાહનો માટે પણ એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત હવે ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ (Isobutanol) મિક્સ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
ડીઝલમાં કેમ ડાયરેક્ટ ઇથેનોલ મિક્સ નથી થતું?
નીતિન ગડકરીએ એક ટેકનિકલ કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ઇથેનોલને સીધું ડીઝલ સાથે ભેળવી શકાતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે ઇથેનોલમાંથી જ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ‘આઇસોબ્યુટેનોલ’ બનાવવામાં આવી રહ્યું છે. આ આઇસોબ્યુટેનોલ ડીઝલ સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય છે અને ભવિષ્યમાં તે ડીઝલના એક શાનદાર અને સ્વચ્છ વિકલ્પ તરીકે ઉભરી શકે છે. સરકાર ટૂંક સમયમાં જ ડીઝલમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ મેળવવાની સત્તાવાર મંજૂરી આપવાની તૈયારી કરી રહી છે.










