રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 13 આરોપીઓ ઝડપાયા, મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇનનો ભાંડો ફૂટ્યો
રાજકોટ: રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ગેરકાયદેસર હથિયારોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતાં કુલ 13 શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન 28 દેશી બનાવટની પિસ્તોલ, 30થી વધુ જીવતા કારતૂસ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં બહાર આવેલી હથિયાર સપ્લાયની આ સૌથી મોટી ચેઇન માનવામાં આવી રહી છે.
આ સમગ્ર ઓપરેશનની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે PCBને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશનો સકીલ સાદીક મન્સુરી ગેરકાયદેસર હથિયારોની ડિલિવરી આપવા રાજકોટ આવી રહ્યો છે. કુવાડવા નજીક વોચ ગોઠવી પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી પાંચ દેશી પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
સકીલની પૂછપરછમાં ચોટીલાના અનિલ અને દર્શન ઉર્ફે ગાવસ્કર સહિતના શખ્સોને અગાઉ પણ હથિયારો સપ્લાય કર્યાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે એક પછી એક દરોડા પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો અને અનેક આરોપીઓને ઝડપી લીધા.
રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં દર્શન ઉર્ફે ગાવસ્કરે રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર જીલુ ભુપત બારૈયાને ત્રણ પિસ્તોલ આપ્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે જીલુ બારૈયાની ધરપકડ કરીને ત્રણેય હથિયારો કબજે કર્યા હતા. પૂછપરછમાં જીલુએ અંગત દુશ્મનાવટને કારણે સુરક્ષા માટે આ હથિયારો ખરીદ્યાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
તપાસ દરમિયાન અન્ય આરોપી પ્રદીપ કરપડાની પૂછપરછમાં મિત્રતાના સંબંધે એક હથિયાર ચોટીલાના ઋતુરાજ ખાચરને આપ્યાનો ખુલાસો થતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંદીપસિંહ પરમાર, જયપાલ ડેડાણીયા, આરીફ પઠાણ, ધૃવ ઉર્ફે કનૈયો ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમાર સહિત અન્ય આરોપીઓ પાસેથી પણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ મધ્યપ્રદેશના મીરજાપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો મંગાવી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરતી હતી. સમગ્ર નેટવર્કના સૂત્રધાર, સ્થાનિક સપ્લાયરો અને ખરીદદારો વચ્ચેની કડીઓ પોલીસે શોધી કાઢી છે.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને PCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 13 આરોપીઓ પાસેથી 28 પિસ્તોલ, 30થી વધુ જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હવે હથિયારોના મૂળ સ્ત્રોત અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.








