તેહરાન: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાએ સતત છઠ્ઠી રાત્રે ઇરાન પર પ્રચંડ હવાઈ હુમલા કરીને માત્ર સૈન્ય મથકો જ નહીં પરંતુ એરપોર્ટ, પુલ, રેલવે સ્ટેશનો અને સંચાર માળખાને પણ નિશાન બનાવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ ઇરાને પણ બહેરીન, કુવૈત અને જોર્ડન સ્થિત અમેરિકી હિતોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.
માહિતી મુજબ દક્ષિણ ઇરાનના બંદર અબ્બાસ, બંદર ખમીર અને હોર્મોઝગાન પ્રાંતમાં અનેક સ્થળોએ મિસાઇલ હુમલા થયા હતા. ઇરાનના બંદર અબ્બાસ એરપોર્ટ અને મુખ્ય રેલવે જંકશનને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાના કારણે રેલવે સ્ટેશનને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.
હોર્મોઝગાન પ્રાંતમાં આવેલા બે મહત્વપૂર્ણ પુલ પણ હુમલામાં તબાહ થયા હતા, જેના કારણે બંદર અબ્બાસ, ખમીર અને લાટ વચ્ચેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ હુમલામાં કેટલાક લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
અમેરિકી હુમલામાં બંદર અબ્બાસના મોબાઇલ અને સંચાર ટાવરને પણ નિશાન બનાવવામાં આવતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને ટેલિકોમ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. કેશમ દ્વીપ, બુશહર અને અહવાઝ સહિતના વિસ્તારોમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
આ હુમલાઓ બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. કુવૈતના આકાશમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઇરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપી છે.
બીજી તરફ ઇરાને અમેરિકી કાર્યવાહીનો જવાબ આપતા બહેરીન, કુવૈત અને જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. જોર્ડને પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી અનેક મિસાઇલોને નિષ્ક્રિય બનાવ્યાનો દાવો કર્યો છે, જ્યારે બહેરીન અને કુવૈતમાં મિસાઇલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમેરિકાના તાજેતરના હુમલાઓમાં રાજધાની તેહરાન અને મિસાઇલ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ગણાતા સેમનાન પ્રાંતને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે. આ કાર્યવાહીને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલાં ઇરાનને ચેતવણી આપી હતી કે જો તે વાતચીત માટે આગળ નહીં આવે તો તેના વ્યૂહાત્મક માળખા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરના હુમલાઓને તે ચેતવણીના અમલ તરીકે જોવામાં આવી રહ્યા છે.









