ચાલુ સિઝનમાં બે વખત દરવાજા ખોલીને 3,100 MCFથી વધુ પાણી નદીમાં છોડાયું; હાલ 4,468 ક્યુસેકની આવક-જાવક યથાવત
મોરબી: ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે મોરબી-માળિયા તાલુકાની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. હાલ ડેમના બે દરવાજા ત્રણ ફૂટ સુધી ખુલ્લા રાખીને વધારાનું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ડેમમાં 4,468 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક કરવામાં આવી રહી છે. છોડાયેલું પાણી મચ્છુ-3 ડેમમાં પહોંચી રહ્યું હોવાથી તે ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને તેના બે દરવાજા એક ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે.
ચાલુ ચોમાસામાં મચ્છુ-2 ડેમના દરવાજા બે વખત ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન કુલ 3,100 MCFથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આટલો જળજથ્થો ડેમ સંપૂર્ણ ખાલી હોય તો તેને ફરી ભરવા માટે પૂરતો ગણાય.
ગત 1 ઓગસ્ટે ભારે વરસાદ બાદ ડેમના 38માંથી 16 દરવાજા ખોલીને એક સમયે 1.08 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં વરસાદની તીવ્રતા ઘટી હોવા છતાં ઉપરવાસમાંથી આવતું પાણી યથાવત હોવાથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.
મચ્છુ નદીમાં પાણી છોડાયા બાદ કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે નદીકાંઠાના કેટલાક ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 બાદ અત્યાર સુધી માત્ર તે વર્ષે જ મચ્છુ-2 ડેમના તમામ 38 દરવાજા એકસાથે ખોલવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી ડેમમાંથી પાણી છોડવાની આ સૌથી મોટી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવી રહી છે.









