સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત: રાજકોટમાં વેસ્ટ ઝોનમાં 6 ઇંચ વરસાદ, જામનગર-દ્વારકામાં પણ મેઘમહેર

રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં અલગ-અલગ ઝોનમાં વરસાદના આંકડાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડના આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 32 મીમી, ઈસ્ટ ઝોનમાં 20 મીમી, જ્યારે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 151 મીમી (આશરે 6 ઇંચ) વરસાદ નોંધાતા સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા હતા.

જામનગર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન વ્યાપક વરસાદ વરસ્યો છે. જામનગર, જોડિયા અને ધ્રોલ તાલુકામાં આશરે 2 ઇંચ, કાલાવડમાં સવા ઇંચ, લાલપુરમાં 1 ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે અને તમામ તાલુકા કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્ક રાખી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

દરિયામાં હજુ પણ કરંટ યથાવત હોવાથી ઓખા અને સલાયા બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

દ્વારકામાં ભારે પવન અને ઊંચા મોજાંને કારણે ગોમતી નદીમાં પાણીની આવક વધી છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસે ગોમતી ઘાટ સંપૂર્ણપણે સીલ કરી દીધો છે અને નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બીજી તરફ, કચ્છના ભુજમાં ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા નીરની આવક થતાં શહેરમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે ઉમટી પડ્યા હતા અને વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો.

વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें