મધ્યપૂર્વમાં યુદ્ધ ફરી ભીષણ, હોર્મુઝથી જોર્ડન સુધી હુમલાનો દાવો

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે સાત મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર હુમલાની તીવ્રતા વધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. હોર્મુઝ જળમાર્ગથી લઈને જોર્ડન સુધી મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે મધ્યપૂર્વમાં તણાવ વધુ ગંભીર બન્યો છે.

અમેરિકાએ દાવો કર્યો છે કે પર્સિયન ગલ્ફમાં ખર્ગ ટાપુ પરથી ક્રૂડ ઓઈલના પરિવહન સામે કાર્યવાહી કરતાં અમેરિકી નૌસેનાએ પાંચ ઈરાની ઓઈલ ટેન્કરોને બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યા અને ડુબાડી દીધા. હુમલા પહેલાં ટેન્કરોના ક્રૂ અને ખલાસીઓને જહાજ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકાના જણાવ્યા મુજબ, ત્યારબાદ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ ટેન્કરોને બનાવાયા હતા નિશાન

આ પહેલાં 5 તારીખે પણ ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈરાને પણ અમેરિકી દળો સામે જવાબી કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે હોર્મુઝ જળમાર્ગમાંથી મંજૂરી વિના પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે અમેરિકી યુદ્ધજહાજ સહિત આઠ ઓઈલ ટેન્કર અને અન્ય 10 જહાજોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી મથકો પર પણ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યાનો દાવો કર્યો છે.

અમેરિકાએ નુકસાન ન થયાનો દાવો કર્યો

ઈરાને વધુમાં દાવો કર્યો છે કે દક્ષિણ ઈરાનના જાસ્ક બંદર નજીક તૈનાત અમેરિકી દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને હોર્મુઝ વિસ્તારમાંથી અમેરિકાનું આધુનિક માનવરહિત અન્ડરવોટર વેસલ કબજે કરવામાં આવ્યું છે. જોકે, અમેરિકાએ ઈરાની હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે તેમાં કોઈ નુકસાન થયું નથી.

અમેરિકાના જણાવ્યા મુજબ, ઈરાન એક ગુપ્ત નેટવર્ક મારફતે આ ઓઈલ ટેન્કરોનો ઉપયોગ કરીને ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું હતું. બંને દેશો વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બનતા ક્રૂડ ઓઈલના ભાવ ફરી 100 ડોલરની સપાટી પાર કરી ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં પણ ચિંતા વધી છે.

Leave a Comment

और पढ़ें