રશિયાના આર્કટિક વિસ્તારમાં આવેલા Vostok Oil પ્રોજેક્ટમાંથી વ્યાવસાયિક ક્રૂડ ઓઈલની નિકાસ શરૂ થઈ છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી Vankorneftમાં ભારતીય સરકારી ઓઈલ કંપનીઓની 49.9% હિસ્સેદારી હોવાને કારણે સવાલ ઊભો થયો છે કે શું આ ભારતીય માલિકી રશિયન ક્રૂડને અમેરિકી પ્રતિબંધોથી બચાવી શકે? ઉપલબ્ધ કાયદાકીય માળખા મુજબ માત્ર ભારતીય શેરહોલ્ડિંગથી ક્રૂડનું મૂળ રશિયનમાંથી ભારતીય બની જતું નથી.
49.9% હિસ્સો હોવા છતાં તેલનું મૂળ રશિયન જ
ભારતીય કંપનીઓની રશિયન ઓઈલ પ્રોજેક્ટમાં ભાગીદારી હોવા છતાં ક્રૂડ જે દેશમાં ઉત્પન્ન થાય છે તેનું મૂળ બદલાતું નથી. Vostok Oil રશિયામાં આવેલો પ્રોજેક્ટ છે અને તેની ઓપરેટિંગ રચના રશિયન કંપની Rosneft સાથે જોડાયેલી છે. તેથી રશિયામાં ઉત્પાદિત ક્રૂડને માત્ર ભારતીય રોકાણના આધારે ‘ભારતીય મૂળનું ક્રૂડ’ ગણાવવું શક્ય નથી.
Reutersના અહેવાલ મુજબ Vostok Oilમાંથી હાલમાં આશરે 1.5 લાખ બેરલ પ્રતિ દિવસ નિકાસ થઈ રહી છે અને Rosneftનું લક્ષ્ય 2027ના અંત સુધીમાં ઉત્પાદન આશરે 6 લાખ બેરલ પ્રતિ દિવસ તથા 2030 સુધીમાં 10 લાખ બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચાડવાનું છે.
અમેરિકાનો નવો કાયદો શું કહે છે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026 પર હસ્તાક્ષર કર્યા હતા. કાયદો રશિયન તેલ અને ગેસ ખરીદનારા ચોક્કસ દેશો સામે 100% સુધીના વધારાના ટેરિફ લાદવાની સત્તા અમેરિકી સરકારને આપે છે. જોકે આ 100% ટેરિફ આપમેળે દરેક દેશ પર લાગુ થઈ ગયો છે એવું નથી; કાયદો રાષ્ટ્રપતિને તે લાગુ કરવાની સત્તા આપે છે.
કાયદામાં ખાસ કરીને રશિયન મૂળના ક્રૂડ અથવા ગેસના સૌથી મોટા આયાતકાર દેશો તથા રશિયન ઓઈલ પરના પ્રતિબંધોને ટાળવામાં મદદ કરનારા દેશો સામે કાર્યવાહી માટેની જોગવાઈ છે.
ભારત માટે મુદ્દો કેમ મહત્વનો?
ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં સામેલ છે. નવા અમેરિકી કાયદા બાદ ભારત અને અમેરિકા વચ્ચે રશિયન તેલની ખરીદી અંગે ચર્ચા અને રાજદ્વારી દબાણ વધ્યું છે. તાજેતરમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો અને વિદેશમંત્રી એસ. જયશંકર વચ્ચેની બેઠકમાં પણ નવા કાયદાની અસરો અંગે ચર્ચા થઈ હતી.
અટલે રશિયન ઓઈલ પ્રોજેક્ટમાં ભારતીય કંપનીની 49.9% ભાગીદારી પોતે જ અમેરિકી પ્રતિબંધોથી કાનૂની છૂટ આપતી નથી. પ્રતિબંધ કે ટેરિફ લાગુ થશે કે નહીં તે સંબંધિત અમેરિકી કાયદાની ચોક્કસ જોગવાઈઓ, અમેરિકી સરકારના અમલના નિર્ણય અને સંબંધિત કંપની/વ્યવહારની સ્થિતિ પર નિર્ભર રહેશે.








