દવા સામે બેઅસર સાબિત થતા ચેપમાં મૃત્યુનું જોખમ 43% સુધી વધુ

નવી દિલ્હી: હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં દવાઓ સામે પ્રતિરોધક બની ગયેલા બેક્ટેરિયલ ચેપ ચિંતાનો વિષય બની રહ્યા છે. દેશની 20 હોસ્પિટલો પર થયેલા એક અભ્યાસ મુજબ, ડ્રગ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર્દીઓમાં સામાન્ય ચેપની સરખામણીએ મૃત્યુનું જોખમ 43% સુધી વધુ જોવા મળ્યું છે. આવા ચેપની સારવારનો ખર્ચ પણ સામાન્ય ચેપની તુલનામાં બમણો થઈ શકે છે.

‘ધ લેન્સેટ રીજનલ હેલ્થ–સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં એપ્રિલ 2022થી 2025 દરમિયાન 1,59,336 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં 26,213 દર્દીઓમાં ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયલ ચેપ જોવા મળ્યો હતો, જ્યારે 16,025 દર્દીઓ એટલે કે 61.1%માં કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ નોંધાયો હતો.

સ્યુડોમોનાસ અને ઈ. કોલાઈમાં જોખમ વધુ

અભ્યાસમાં કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર્દીઓમાં સંવેદનશીલ ચેપ ધરાવતા દર્દીઓ કરતાં મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું હતું. સ્યુડોમોનાસ ચેપમાં મૃત્યુનું જોખમ 43% અને ઈ. કોલાઈ ચેપમાં 41% વધુ હોવાનું સામે આવ્યું હતું.

રેઝિસ્ટન્ટ ચેપમાં મૃત્યુદર 31.6%

ગ્રામ-નેગેટિવ ચેપ ધરાવતા દર્દીઓમાં કુલ હોસ્પિટલ મૃત્યુદર 27.7% રહ્યો હતો. કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર્દીઓમાં આ દર વધીને 31.6% થયો હતો, જ્યારે કાર્બાપેનેમ-સંવેદનશીલ ચેપ ધરાવતા દર્દીઓમાં મૃત્યુદર 21.6% રહ્યો હતો.

અર્થાત્, કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર 100 દર્દીઓમાંથી આશરે 32 દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયાં હતા.

Leave a Comment

और पढ़ें