વડોદરા: વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા ગયેલી 16 વર્ષની સગીરા સાથે થયેલા દુષ્કર્મના ચકચારી કેસમાં પોક્સો કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કેસના તમામ પાંચ આરોપીઓને દોષિત ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.
કોર્ટે આફતાબ બનજારા, શાહરુખ બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સતાર અને સૈફઅલી મહેંદીહસનને દોષિત જાહેર કર્યા છે.
ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું
કેસની વિગતો મુજબ, પાંચ પૈકી ત્રણ આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય બે આરોપીઓએ ગુનામાં સહયોગ આપ્યો હતો અને સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હોવાનું કોર્ટ સમક્ષ પુરવાર થયું હતું.
કેસની ગંભીરતા અને આરોપીઓની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કોર્ટે પાંચેયને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા સંભળાવી છે.
પીડિતાને રૂ.10 લાખનું વળતર
કોર્ટે પીડિત સગીરાને રૂ.10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
નવરાત્રિ દરમિયાન બનેલા આ ચકચારી દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને કડક સજા ફટકારવામાં આવતા તેને રાજ્યમાં નમૂનારૂપ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.








