પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદે BSFએ મોટી કાર્યવાહી કરી રૂ.24.95 કરોડથી વધુની કિંમતનું 15.607 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે.
ગુપ્ત બાતમીના આધારે BSFની 32મી બટાલિયનના જવાનોએ બાનપુર બોર્ડર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ કરતી એક મહિલાને રોકી તેની તલાશી લેતાં તેની પાસેથી સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
BSFના જણાવ્યા મુજબ, તાજેતરના સમયમાં ભારત-બાંગ્લાદેશ સરહદે ઝડપાયેલું આ સૌથી મોટા સોનાના કન્સાઇનમેન્ટ પૈકીનું એક છે. અધિકારીઓ દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સોનું ક્યાંથી આવ્યું હતું, કોને પહોંચાડવાનું હતું તથા તેની પાછળ કોણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર મામલા પાછળ સરહદ પાર સક્રિય મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક હોઈ શકે છે. ઘટનાને પગલે સરહદ વિસ્તારમાં સુરક્ષા અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
ઝડપાયેલી મહિલાને આગળની કાનૂની કાર્યવાહી માટે ક્રિષ્નાગંજ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








