કાઠમંડુ: નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા ભીષણ પૂરથી અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે. સેંકડો લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન એક બેન્કનો કરોડો રૂપિયાનો ખજાનો પણ પૂરના પાણીમાં તણાઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી વિગતો મુજબ, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેન્કની ત્રિશૂલી ધુંગે શાખામાંથી આશરે રૂ.1.5 કરોડની રોકડ, રૂ.50 કરોડની કિંમતનું સોનું અને મહત્વના દસ્તાવેજો જળપ્રલય દરમિયાન તણાઈ ગયા હતા.
પૂરના પાણીના જોરદાર પ્રવાહના કારણે બેન્કની શાખામાં રહેલો આ ખજાનો કાટમાળ સાથે વહી ગયો હતો. ઘટનાની જાણ થતાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
કાટમાળમાંથી કરોડોનો ખજાનો મળ્યો
પૂરનું પાણી ઓસર્યા બાદ કાટમાળમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બેન્કમાંથી તણાઈ ગયેલી રોકડ, સોનું અને જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા.
પોલીસે કાટમાળમાંથી આ તમામ વસ્તુઓ બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. આમ, જળપ્રલયના ભારે વિનાશ વચ્ચે બેન્કનો કરોડો રૂપિયાનો ખજાનો શોધી કાઢવામાં સફળતા મળી છે.
ભીષણ પૂરના કારણે માનવજીવન સાથે મોટા પ્રમાણમાં સંપત્તિને પણ નુકસાન થયું છે ત્યારે બેન્કની કરોડોની રોકડ અને સોનું તણાઈ જવાની આ ઘટના ચર્ચાનો વિષય બની છે.








