ટોલટેક્સમાં કરોડોનું કૌભાંડ! સરકારને માત્ર 5% બતાવી 95% રકમ સેરવી લીધી

બોગસ સોફ્ટવેરથી ટોલ વસૂલાતમાં ગોટાળો : EDના દેશભરમાં 14 સ્થળે દરોડા

નવી દિલ્હી: NHAIના ટોલ પ્લાઝા પર બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટોલ વસૂલાતમાં કરોડો રૂપિયાનું કથિત કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા PMLA હેઠળ દેશભરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ED દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, NCR અને કોલકાતા સહિત કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

95% ટોલની રકમ ક્યાં ગઈ?

તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ NHAIની અધિકૃત ટોલ સિસ્ટમની સમાંતર બોગસ સોફ્ટવેર તૈયાર કર્યું હતું અને તેના મારફતે ટોલની વસૂલાત કરવામાં આવતી હતી.

આરોપ મુજબ, કુલ વસૂલવામાં આવેલા ટોલમાંથી માત્ર 5% રકમ સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવતી હતી, જ્યારે બાકીની 95% રકમ અધિકૃત એકાઉન્ટિંગ સિસ્ટમથી બહાર રાખવામાં આવતી હતી.

બોગસ રસીદો બનાવી વસૂલાત

FIR મુજબ, બોગસ સોફ્ટવેર મારફતે ટોલની રસીદો તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ ટોલથી મળતી આવકને અધિકૃત હિસાબી વ્યવસ્થાથી બહાર ડાયવર્ટ કરવામાં આવતી હતી.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ UP STFની તપાસ દરમિયાન થયો હતો. FIRના આધારે EDએ મની લોન્ડરિંગના એંગલથી તપાસ શરૂ કરી હતી.

EDની તપાસમાં શું સામે આવ્યું?

EDની ફોરેન્સિક તપાસ અને NHAIના રેકોર્ડના વિશ્લેષણમાં બોગસ સોફ્ટવેરના ઉપયોગ અંગે પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે.

તાજેતરના દરોડાનો હેતુ કૌભાંડ સાથે જોડાયેલા વધુ પુરાવા એકત્ર કરવા, સંડોવાયેલા લોકોની ઓળખ કરવા અને કથિત ગુનાની કમાણીનો પતો લગાવવાનો છે.

14 સ્થળોએ એકસાથે થયેલી EDની કાર્યવાહીને પગલે ટોલ વસૂલાતના આ કથિત મહાકૌભાંડમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें