રેલવેનો મેગા પ્લાન! ગુજરાતથી બંગાળ સુધી ₹675 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી

‘કવચ 4.0’થી ટ્રેન સુરક્ષા વધશે : ભાવનગર યાર્ડને નવી સુવિધા, પશ્ચિમ બંગાળમાં 11 કિમી બાયપાસ લાઇન

નવી દિલ્હી: મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોના સરળ સંચાલનને વધુ મજબૂત બનાવવા ભારતીય રેલવેએ ₹675 કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં હાથ ધરાનારી આ કામગીરીથી ટ્રેન તથા માલગાડી વ્યવસ્થામાં મોટો સુધારો થવાની શક્યતા છે.

મુરાદાબાદમાં ‘કવચ 4.0’નું કવચ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ડિવિઝનમાં ₹170 કરોડના ખર્ચે ‘કવચ 4.0’ સ્વદેશી સુરક્ષા સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ ટ્રેનોની સુરક્ષા વધારવા અને ટક્કર જેવા ગંભીર અકસ્માતોના જોખમને ઘટાડવામાં મદદરૂપ બનશે.

સમસ્તીપુરના 21 સ્ટેશનો અપગ્રેડ થશે

બિહારના સમસ્તીપુર ડિવિઝનના 21 સ્ટેશનો પર ₹233 કરોડના ખર્ચે આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આથી ટ્રેનના રૂટ અને અવરજવરનું સંચાલન વધુ સુરક્ષિત અને અસરકારક બનશે.

ભાવનગર પરા યાર્ડ માટે ₹125 કરોડ

ગુજરાતના ભાવનગરને પણ આ યોજનામાં મહત્વનું સ્થાન મળ્યું છે. ભાવનગર પરા યાર્ડના રિમોડેલિંગ માટે ₹125 કરોડ મંજૂર કરાયા છે.

યાર્ડનું કામ પૂર્ણ થયા બાદ ભાવનગર ટર્મિનસ પર ટ્રેનોનું વધારાનું ભારણ ઘટશે. કેટલીક ટ્રેનોના હોલ્ટ અને સંચાલનને ભાવનગર પરા તરફ ખસેડવાથી ટ્રેન વ્યવહાર વધુ સરળ બનશે અને મુસાફરોને પણ સુવિધા મળશે.

બંગાળમાં 11 કિમી નવી બાયપાસ રેલવે લાઇન

પશ્ચિમ બંગાળમાં આદ્રા-જોયચંદીપહાડ વચ્ચે ₹272 કરોડના ખર્ચે 11 કિલોમીટર લાંબી બાયપાસ રેલવે લાઇન બનાવવામાં આવશે.

આ લાઇનથી માલગાડીઓની અવરજવર સરળ બનશે અને SAIL તથા BCCL માટે લોખંડ તથા અન્ય માલસામાનની હેરફેર ઝડપી બનાવવામાં મદદ મળશે.

આ તમામ પ્રોજેક્ટ્સથી ટ્રેન સુરક્ષા, પેસેન્જર સુવિધા અને માલ પરિવહનની ક્ષમતા વધારવાની સાથે રેલવેના ઉર્જા, ખનિજ અને સિમેન્ટ કોરિડોરને પણ વેગ મળવાની અપેક્ષા છે.

Leave a Comment

और पढ़ें