બેન્ક FDમાં રોકાણ ઘટ્યું, શેર-મ્યુચ્યુઅલ ફંડમાં ધસારો

₹14.18 લાખ કરોડથી FD રોકાણ ઘટીને ₹12.55 લાખ કરોડ થયું : ઘરેલુ બચતનો બદલાઈ રહ્યો છે ટ્રેન્ડ

નવી દિલ્હી: ભારતીય પરિવારોની બચતની પરંપરાગત રીતમાં હવે ધીમે ધીમે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. બેન્કોની બાંધી મુદતની થાપણો એટલે કે FDમાં રોકાણ ઘટી રહ્યું છે, જ્યારે શેરબજાર, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા માર્કેટ-લિંક્ડ સાધનો તરફ ઘરેલુ બચત વધી રહી છે. FY25માં સિક્યોરિટીઝ માર્કેટ મારફતે ઘરેલુ બચત ₹6.91 લાખ કરોડ સુધી પહોંચી હતી.

શેર-ડિબેન્ચરમાં 93%નો ઉછાળો

2024/25માં શેર અને ડિબેન્ચર સહિત સિક્યોરિટીઝ માર્કેટમાં ઘરેલુ બચત ₹6.91 લાખ કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે ₹3.58 લાખ કરોડ હતી. તેમાં મ્યુચ્યુઅલ ફંડનો મોટો ફાળો રહ્યો અને તેમાં રોકાણ ₹5.13 લાખ કરોડ સુધી પહોંચ્યું.

FDમાં નોંધપાત્ર ઘટાડો

બીજી તરફ બેન્કોની બાંધી મુદતની થાપણોમાં ઘરેલુ બચત ₹14.18 લાખ કરોડથી ઘટીને લગભગ ₹12.55 લાખ કરોડ થઈ છે. આ ઘટાડો સૂચવે છે કે ઘરેલુ રોકાણકારો પોતાની બચતનો કેટલોક હિસ્સો હવે અન્ય નાણાકીય સાધનોમાં ફેરવી રહ્યા છે.

PF અને પેન્શન ફંડનું આકર્ષણ યથાવત

પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફંડ જેવા લાંબા ગાળાના રોકાણ સાધનોમાં પણ ઘરેલુ બચતનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જોકે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં વધતા રોકાણથી પરંપરાગત બચત અને માર્કેટ-લિંક્ડ રોકાણ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે.

લોકો વધુ વળતર માટે જોખમ લેવા તૈયાર

FDમાં નિશ્ચિત વળતર અને મૂડીની સુરક્ષા મુખ્ય આકર્ષણ છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં વળતર બજારની સ્થિતિ પર આધારિત રહે છે. તેમ છતાં નાણાકીય જાગૃતિ અને વધુ વળતરની અપેક્ષાને કારણે માર્કેટ-લિંક્ડ રોકાણમાં રસ વધી રહ્યો છે.

અર્થતંત્ર માટે આ બદલાવ મહત્વનો છે—ભારતીય પરિવારો હવે માત્ર ‘બચત’ નહીં પરંતુ બચતમાંથી ‘રિટર્ન’ મેળવવા માટે વિવિધ રોકાણ વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે.

Leave a Comment