ચોમાસું સુધરતાં ખેતીનું જોખમ ઘટ્યું, અર્થતંત્રમાં રિકવરીના સંકેત : RBI

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ઓગસ્ટ બુલેટિનના ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ અહેવાલમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત હોવાના સંકેતો આપવામાં આવ્યા છે. જુલાઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ફરી વેગ પકડતાં ખરીફ પાકની વાવણી સામાન્ય સ્તરની નજીક પહોંચી છે. RBIના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સુધારાથી કૃષિ ક્ષેત્ર સામે રહેલા કેટલાક જોખમો ઘટ્યા છે.

જૂનના અંત સુધી ચોમાસામાં 35.4 ટકાની ઘટ નોંધાઈ હતી, પરંતુ જુલાઈના સારા વરસાદ બાદ મહિનાના અંત સુધીમાં સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતાં 1 ટકા વધુ રહ્યો હતો. તેના કારણે મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ દાયકાના સરેરાશ સ્તરની નજીક પહોંચ્યો છે. આ સ્થિતિ 2023ના અલ નીનો વર્ષ કરતાં પણ સારી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

RBIના અહેવાલ મુજબ, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થાનિક માંગ મજબૂત રહી છે. વાહનો અને ટ્રેક્ટરના વેચાણ જેવા સંકેતો ગ્રામ્ય તથા સ્થાનિક માંગમાં સુધારો દર્શાવે છે. મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ મજબૂતી જોવા મળી છે. જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં લગભગ બે વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ હતી, જેમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો મહત્વનો ફાળો રહ્યો હતો.

મોંઘવારીના મોરચે જુલાઈમાં CPI આધારિત ફુગાવો વધીને 4.45 ટકા થયો હતો, જે જૂનમાં 4.38 ટકા હતો. RBIના જણાવ્યા મુજબ આ વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજોના ભાવ અને સપ્લાય-સાઇડ દબાણને કારણે થયો છે. જોકે, ખાદ્ય અને ઊર્જાના ભાવને બાદ કરતાં કોર ઇન્ફ્લેશનમાં ખાસ ફેરફાર ન થતાં વ્યાપક ખર્ચનું દબાણ હજુ મર્યાદિત હોવાનું જણાય છે.

નાણાકીય સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. બેન્ક ધિરાણમાં વૃદ્ધિ, અનુકૂળ લિક્વિડિટી અને સરકારી બોન્ડની યીલ્ડમાં નરમાઈથી નાણાકીય પરિસ્થિતિને ટેકો મળ્યો છે. સતત ત્રણ મહિનાના ઘટાડા બાદ પેટ્રોલિયમ પેદાશોના વપરાશમાં પણ ફરી વૃદ્ધિ નોંધાઈ છે, જે આર્થિક પ્રવૃત્તિમાં સુધારાનો સંકેત આપે છે.

વિદેશી રોકાણના મોરચે પણ ભારતની સ્થિતિ મજબૂત રહી છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું FDI વધીને 7.8 અબજ ડોલર થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 4.8 અબજ ડોલર હતું. આ સમયગાળામાં કુલ ગ્રોસ FDI ઇનફ્લો 30.7 અબજ ડોલર રહ્યો હતો. સિંગાપોર, નેધરલેન્ડ, અમેરિકા અને કેનેડામાંથી મળીને આશરે 74 ટકા ઇક્વિટી રોકાણ આવ્યું હતું.

જોકે, ભારતમાંથી વિદેશમાં જતા FDIમાં છેલ્લા બે મહિનાથી ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. આ રોકાણનો આશરે 65 ટકા હિસ્સો સિંગાપોર, UAE અને અમેરિકા તરફ ગયો હતો. ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, મેન્યુફેક્ચરિંગ, વેપાર, રેસ્ટોરન્ટ અને હોટેલ જેવા ક્ષેત્રોમાં બહારનું રોકાણ વધુ કેન્દ્રિત રહ્યું હતું.

એકંદરે, ચોમાસામાં સુધારો, ખરીફ વાવણીમાં પ્રગતિ, મજબૂત સ્થાનિક માંગ, ઔદ્યોગિક પ્રવૃત્તિમાં તેજી, બેન્ક ધિરાણ અને FDIના સારા પ્રવાહને કારણે ભારતીય અર્થતંત્રના મૂળભૂત પરિબળો મજબૂત હોવાનું RBIના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. જોકે, સામાન્ય કરતાં ઓછા ચોમાસાની શક્યતા, ક્રૂડ ઓઇલના ભાવ, ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા હજુ અર્થતંત્ર માટે જોખમરૂપ બની શકે છે.

Leave a Comment

और पढ़ें