પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની સરકારી પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના નર્સરી વોર્ડમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 14 નવજાત શિશુનાં મોતની અધિકારીઓએ પુષ્ટિ કરી છે, જ્યારે સ્થાનિક મીડિયા દ્વારા મૃત્યુઆંક 15 જણાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સવારે આશરે 6:45 વાગ્યે હોસ્પિટલના ત્રીજા માળે આવેલા નર્સરી વોર્ડમાં આગ ફાટી નીકળી હતી. આગનું પ્રાથમિક કારણ એર-કન્ડીશનર યુનિટના કમ્પ્રેસરમાં થયેલો વિસ્ફોટ હોવાનું સામે આવ્યું છે. ઘટનાસમયે વોર્ડમાં 16 જેટલા નવજાત શિશુઓ સારવાર હેઠળ હતાં, જેમાંથી માત્ર એક બાળકને જીવિત બચાવી શકાયું હતું.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વોર્ડમાં કૂલિંગ તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગના કારણે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મૃતક નવજાતોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ કરૂણ ઘટનાએ પાકિસ્તાનની સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.









