નૈઋત્ય ચોમાસાનો સૌથી સક્રિય તબક્કો: ભારતથી દક્ષિણ કોરિયા સુધી 10 હજાર કિમી લાંબી વાદળોની દિવાલ

નવી દિલ્હી: ચાલુ વર્ષના નૈઋત્ય ચોમાસાએ સૌથી સક્રિય તબક્કામાં પ્રવેશ કર્યો છે. અંતરિક્ષમાંથી લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં ભારતથી હિમાલય, ચીન, જાપાન થઈ દક્ષિણ કોરિયા સુધી અંદાજે 7,000થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે, જેને હવામાન નિષ્ણાતો અસાધારણ ઘટના ગણાવી રહ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ઘટનાને મોન્સૂન કન્વર્જન્સ ઝોન (Monsoon Convergence Zone) તરીકે ઓળખવામાં આવે છે. હિંદ મહાસાગર પરથી આવતા ભેજયુક્ત પવનો અને એશિયાની સક્રિય હવામાન પ્રણાલીઓના મિલનથી આ વિશાળ વાદળોની દિવાલ સર્જાઈ છે.

આ સિસ્ટમના પ્રભાવથી ભારતના મધ્ય, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જોકે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ પણ વધ્યું છે.

છેલ્લા બે દિવસમાં દેશમાં ચોમાસાની દૈનિક સરેરાશ કરતાં 170થી 180 ટકા વધુ વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી રહેલી વરસાદની ખાધ ઝડપથી પૂરી થઈ રહી છે, જે ખરીફ પાક માટે રાહતરૂપ સાબિત થશે. સાથે જ દેશના જળાશયો અને ડેમોમાં પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें