મોરબી જિલ્લા LCB પોલીસે ટંકારા અને વાંકાનેરમાં થયેલી બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વડોદરા અને અમદાવાદના બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, રોકડ રકમ અને બાઈક સહિત કુલ ₹4.39 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વાંકાનેર બાઉન્ડ્રી પાસે LCBની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક પર બે શખ્સો આવવાના હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. બંને શખ્સો બાઈક પર આવતા પોલીસે તેમને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા પૂછપરછ કરવામાં આવી હતી.
વાંકાનેરમાં ₹1.71 લાખની ચોરી
વાંકાનેર નજીક જૂના વઘાસીયા ગામે ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયાના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹1.71 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ટંકારા ચોરીમાંથી ₹1.03 લાખનો મુદ્દામાલ રિકવર
ટંકારા ડેરી નાકા પાસે વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹98,305નો મુદ્દામાલ ચોરાયો હતો.
LCBની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ટંકારા ચોરીના ગુનામાં ગયેલા સોનાની બુટ્ટી, ચાંદીના સાંકડા, ચાંદીના સિક્કા અને રોકડ સહિત ₹1.03 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.
નંબર પ્લેટ વગરના બાઈકથી કરતા ચોરી
પોલીસે જયસિંઘ ઉર્ફે રાણા શેરસિંઘ બાવરી (22), દંતેશ્વર, વડોદરા અને અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા (19), બાવળા, અમદાવાદની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે બંને આરોપીઓ રાત્રિના સમયે પોતાના રહેણાક વિસ્તારથી દૂર મોબાઈલ ફોન સાથે રાખ્યા વગર અને નંબર પ્લેટ વગરના બાઈક પર જતા હતા. બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કર્યા બાદ પોતાના વતન તરફ નાસી જતા હતા.
બંને આરોપીઓ પાસેથી બાઈક સહિત કુલ ₹4,39,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કામગીરી મોરબી જિલ્લા LCBના ઇન્ચાર્જ PI એસ.પી. જાડેજાની સૂચના હેઠળ PSI બી.ડી. ભટ્ટ અને તેમની ટીમે કરી હતી.








