અમેરિકામાં ઇમિગ્રેશન ફોર્મ બદલાશે: 15 સપ્ટેમ્બરથી જૂના ફોર્મ પર અરજી રિજેક્ટ થશે

અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને ભારતીયો માટે મહત્વના સમાચાર છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા USCIS દ્વારા ઇમિગ્રેશનના બે મહત્વપૂર્ણ ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 સપ્ટેમ્બર 2026થી નવા ફોર્મ ફરજિયાત બનશે.

USCIS દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા ફોર્મ લાગુ થયા બાદ જૂના ફોર્મ માટે કોઈ ગ્રેસ પીરિયડ આપવામાં નહીં આવે. એટલે કે 15 સપ્ટેમ્બર અથવા ત્યાર પછી જૂના વર્ઝનનું ફોર્મ મોકલવામાં આવશે તો અરજી પર કાર્યવાહી કર્યા વગર તેને પરત અથવા રિજેક્ટ કરવામાં આવી શકે છે.

ભારતીય વિદ્યાર્થીઓ અને નોન-ઇમિગ્રન્ટ્સે સાવધાન રહેવું

આ ફેરફાર અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને અન્ય નોન-ઇમિગ્રન્ટ્સ માટે મહત્વનો છે. જેઓ પોતાનો સ્ટેટસ વધારવા, સ્ટેટસ બદલવા અથવા વર્ક પરમિટ મેળવવા માંગે છે તેમણે અરજી કરતા પહેલાં ફોર્મનું નવું વર્ઝન છે કે નહીં તે તપાસવું જરૂરી રહેશે.

H-1B અને L-1 માટે I-539 નહીં

USCISએ સ્પષ્ટ કર્યું છે કે દરેક પ્રકારના ઇમિગ્રેશન સ્ટેટસ માટે I-539 ફોર્મનો ઉપયોગ થતો નથી. H-1B, L-1, O-1, P અને TN જેવી વર્ક-વિઝા કેટેગરીમાં સ્ટેટસ એક્સ્ટેન્શન અથવા ચેન્જ માટે Form I-129નો ઉપયોગ કરવામાં આવે છે.

બે ફોર્મમાં થશે ફેરફાર

Form I-539: અમેરિકામાં રહેલા ચોક્કસ નોન-ઇમિગ્રન્ટ્સ પોતાના રોકાણની મુદત વધારવા અથવા સ્ટેટસ બદલવા માટે આ ફોર્મનો ઉપયોગ કરે છે.

Form I-765: વર્ક પરમિટ અથવા Employment Authorization Document (EAD) મેળવવા માટે આ ફોર્મનો ઉપયોગ થાય છે.

કઈ તારીખે કયું ફોર્મ?

  • I-539: 15 સપ્ટેમ્બર 2026 પહેલાં 2024નું વર્ઝન માન્ય રહેશે; ત્યાર બાદ નવું વર્ઝન જરૂરી બનશે.
  • I-765: 15 સપ્ટેમ્બર પહેલાં 2025નું વર્ઝન ચાલશે; 15 સપ્ટેમ્બરથી નવું વર્ઝન ફરજિયાત થશે.

આથી અમેરિકામાં સ્ટેટસ એક્સ્ટેન્શન કે વર્ક પરમિટ માટે અરજી કરનારા ભારતીયોએ 15 સપ્ટેમ્બર 2026 પછી જૂના ફોર્મનો ઉપયોગ ન થાય તેની ખાસ કાળજી રાખવી પડશે.

Leave a Comment

और पढ़ें