સરદાર સરોવર નર્મદા ડેમ 69.25 ટકા ભરાયો: રાજ્યના 207 જળાશયોમાં 54 ટકા કરતાં વધુ જળસંગ્રહ

મેઘમહેરથી પાણીની સ્થિતિમાં મોટો સુધારો; 13 ડેમ સંપૂર્ણ ભરાયા, 21 જળાશયો હાઈ એલર્ટ પર

અમદાવાદ: રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પગલે ગુજરાતના જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જળસંપત્તિ વિભાગના 27 જુલાઈ સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના 207 જળાશયોમાં કુલ 54 ટકા કરતાં વધુ જળસંગ્રહ નોંધાયો છે. હાલમાં 13 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 21 જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 69.25 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે હાલ 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

નર્મદા ડેમ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,53,336 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેમની કુલ ક્ષમતાના 45.41 ટકા જેટલો છે. રાજ્યમાં 13 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, 26 જળાશયો 90થી 100 ટકા, 28 જળાશયો 50થી 70 ટકા, 55 જળાશયો 25થી 50 ટકા અને 84 જળાશયો 25 ટકા કરતાં ઓછા ભરાયેલા છે. ઉપરાંત 5 જળાશયો એલર્ટ અને 13 જળાશયો વોર્નિંગ પર છે.

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે 37 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. ઉકાઈ ડેમમાં 11,689 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ સહિત કુલ 9 જળાશયોમાં 1,200થી 27 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ રહી છે.

ઝોનવાર સ્થિતિ મુજબ મધ્ય ગુજરાતના જળાશયોમાં 50 ટકા કરતાં વધુ, સૌરાષ્ટ્રમાં 47 ટકા કરતાં વધુ, દક્ષિણ ગુજરાતમાં 45 ટકા, ઉત્તર ગુજરાતમાં 39 ટકા કરતાં વધુ અને કચ્છના જળાશયોમાં આશરે 25 ટકા જળસંગ્રહ નોંધાયો છે. સતત વરસાદને કારણે રાજ્યની પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે પીવાના પાણી, સિંચાઈ અને કૃષિ માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें