બે દિવસ પહેલાંના વરસાદની અસર યથાવત, અમદાવાદના નવા વિસ્તારો ફરી જળબંબાકાર

થલતેજમાં 2 ઇંચ વરસાદથી રસ્તા-સોસાયટીઓ પાણીમાં ગરકાવ; 30 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા

અમદાવાદ: બે દિવસ અગાઉ પડેલા ધોધમાર વરસાદની અસર હજુ ઓછી થઈ નથી ત્યાં મોડી રાતથી શરૂ થયેલા નવા વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને થલતેજ, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અમદાવાદમાં સરેરાશ માત્ર પોણો ઇંચ વરસાદ નોંધાયો હોવા છતાં થલતેજ અને આસપાસના વિસ્તારોમાં 2 ઇંચ સુધી વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક સ્થળોએ પાણી મકાનો સુધી પહોંચતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એસ.જી. હાઈવેના થલતેજ સર્વિસ રોડ પર કારના અડધા ટાયર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ચાણક્યપુરી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતાં લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. ઉપરાંત ચાંદલોડિયા રોડ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ નજીક ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જ્યારે સ્ટર્લિંગ સિટીમાં પાણી ઘરો સુધી પહોંચી જતાં રહીશોએ ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવી પડી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આજે વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં નવી વેલમાર્ક્ડ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે 30 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. 30 જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें