દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી માટે કેવડિયામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ વર્ષની ઉજવણીમાં ખાસ વાત એ છે કે પ્રથમ વખત એકતા પરેડનું આયોજન સવારના બદલે સાંજના સમયે કરવામાં આવશે. પરેડમાં દેશની વિવિધ સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
એકતા પરેડને ભવ્ય અને સુરક્ષિત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરેડ દરમિયાન અંદાજે 10 હજાર સુરક્ષાકર્મીઓ, પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોના જવાનો ગાર્ડ ઓફ ઓનર તથા સલામીમાં જોડાશે.
આ વર્ષે સામાન્ય નાગરિકોને પણ એકતા પરેડને પ્રત્યક્ષ નિહાળવાની તક આપવામાં આવશે. જોકે, સુરક્ષાની દૃષ્ટિએ પરેડમાં હાજરી આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. પરેડમાં હાજર રહી ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા ઇચ્છતા નાગરિકોએ સમયસર ઓનલાઈન નોંધણી કરાવવી પડશે.









