ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 268માંથી 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાયા છે. આ સાથે રાજ્યમાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 84 ટકાથી વધુ થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. બોરસદમાં 5.51 ઇંચ, કડીમાં 4.29 ઇંચ, કરજણમાં 4.29 ઇંચ, સુરતમાં 4.17 ઇંચ, ધોળકામાં 4.13 ઇંચ અને નડિયાદમાં 4.06 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ 3.43 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ તેમજ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે.
રાજ્યમાં અત્યાર સુધી 766.96 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ 908.88 મીમીની સામે 84 ટકાથી વધુ છે. ઝોન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 112.32%, મધ્ય ગુજરાતમાં 84.97%, સૌરાષ્ટ્રમાં 65.14%, ઉત્તર ગુજરાતમાં 63.29% અને કચ્છમાં 48.62% વરસાદ નોંધાયો છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.









