ગાંધીજીના ‘એ થોટ ઓફ ધ ડે’એ રૂ.16.2 કરોડ ખંખેર્યા : ભારતીય ઐતિહાસિક દસ્તાવેજોની હરાજીમાં નવો વર્લ્ડ રેકોર્ડ
નવી દિલ્હી: મહાત્મા ગાંધીના હસ્તલિખિત વિચારોના સંગ્રહે હરાજીની દુનિયામાં નવો ઈતિહાસ રચ્યો છે. બુધવારે યોજાયેલી સેફ્રોનઆર્ટની હરાજીમાં ગાંધીજીનું હસ્તલિખિત લખાણ ‘એ થોટ ઓફ ધ ડે’ રૂ.16.2 કરોડ એટલે કે 1.7 મિલિયન ડોલરમાં વેચાયું હતું. આ સાથે ભારતીય ઐતિહાસિક દસ્તાવેજોની હરાજીમાં નવો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે.
આ દસ્તાવેજ લગભગ 23 મહિનાના સમયગાળા દરમિયાન તૈયાર થયો હતો. તેમાં મહાત્મા ગાંધીના 688 વિચારો નોંધાયેલા છે. ગાંધીજીએ આ વિચારો પોતાના અંગત સાથી, શિષ્ય અને પ્રકાશક આનંદ ટી. હિંગોરાણી માટે લખ્યા હતા.
દાંડી કૂચમાં પણ જોડાયા હતા હિંગોરાણી
આનંદ ટી. હિંગોરાણી માત્ર 13 વર્ષની ઉંમરે ગાંધીજીના અનુયાયી બન્યા હતા. તેઓ ગાંધીજીના વિચારો અને સ્વાતંત્ર્ય આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા અને ઐતિહાસિક દાંડી કૂચમાં પણ જોડાયા હતા.
જેલવાસ દરમિયાન હિંગોરાણીએ પોતાની શ્રવણશક્તિ ગુમાવી હતી. તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ પોતાના વિચારોનો આ સંગ્રહ તૈયાર કર્યો હોવાનું જણાવાય છે.
બાપુના સાહિત્યના જતનમાં જીવન વિતાવ્યું
હિંગોરાણીએ મહાત્મા ગાંધીના વિચારો, લખાણો અને સાહિત્યને સાચવવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. વર્ષો સુધી સાચવવામાં આવેલા તેમના આ સંગ્રહમાંથી ‘એ થોટ ઓફ ધ ડે’ હવે કરોડોની કિંમતમાં હરાજી થયો છે.
ગાંધીજીના પોતાના હસ્તાક્ષર ધરાવતો આ દસ્તાવેજ માત્ર એક ઐતિહાસિક લખાણ નથી, પરંતુ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધીવિચારના વારસાનો અમૂલ્ય હિસ્સો છે. તેની રેકોર્ડ કિંમતની હરાજીએ ભારતીય ઐતિહાસિક દસ્તાવેજોની વૈશ્વિક બજારમાં રહેલી કિંમત અને મહત્વને વધુ ઉજાગર કર્યું છે.








