નવી દિલ્હી: ‘વંદે માતરમ’ના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના વલણ સામે આકરો વિરોધ નોંધાવી તેને ‘દેશવિરોધી’ અને ‘તુષ્ટીકરણની રાજનીતિ’ ગણાવ્યું છે.
અમિત શાહે આરોપ લગાવ્યો કે 1937માં કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણ અને વોટબેંકની રાજનીતિને કારણે ‘વંદે માતરમ’ને બે ભાગમાં વહેંચ્યું હતું. તેમના મતે આ નિર્ણયે આગળ જતાં દેશના ભાગલા અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત માટેનું વાતાવરણ ઊભું કરવામાં ભૂમિકા ભજવી હતી.
મોદી સરકારે ઐતિહાસિક ભૂલ સુધારી હોવાનો દાવો
અમિત શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે આ ઐતિહાસિક ભૂલ સુધારીને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’નું સંપૂર્ણ છ પદનું કાવ્ય 3 મિનિટ 10 સેકન્ડ સુધી ગાવાનો કાનૂની નિયમ બનાવવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ પર આ નિયમનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ રીતે કોંગ્રેસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તેમજ દેશ માટે બલિદાન આપનારા લાખો સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરી રહી છે.
કોંગ્રેસઃ 1937નો નિર્ણય ઐતિહાસિક સંદર્ભમાં લેવાયો હતો
બીજી તરફ કોંગ્રેસે અમિત શાહના આરોપોને ફગાવી પોતાના વલણનો બચાવ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશે જણાવ્યું કે પક્ષ આજે પણ 28 ઓક્ટોબર 1937ના ઐતિહાસિક પ્રસ્તાવ પર કાયમ છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ તે સમયે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને મૌલાના આઝાદ જેવા નેતાઓની હાજરીમાં તથા રવીન્દ્રનાથ ટાગોરની સલાહને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હતો.
‘ભાજપ માટે રાજકારણ, અમારા માટે ભાવના’ઃ કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે ‘વંદે માતરમ’ તેના માટે ભાવનાત્મક મુદ્દો છે, જ્યારે ભાજપ તેને રાજકીય મુદ્દો બનાવી રહ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર પેપર લીક, ‘ચંદા ચોરી’ અને વિદેશ નીતિની નિષ્ફળતા જેવા મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આ વિવાદને હવા આપી રહી છે.
‘વંદે માતરમ’ને લઈને બંને પક્ષો વચ્ચે શરૂ થયેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપથી રાજકીય વાતાવરણ વધુ ગરમ બન્યું છે.








