સ્વિટ્ઝર્લેન્ડ: યુદ્ધ, કુદરતી આફત કે અન્ય મોટા સંકટની સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં અમીર લોકો માટે અત્યંત સુરક્ષિત ભૂગર્ભ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આલ્પ્સ પર્વતમાળામાં ગ્રેનાઇટની બ્રૂનિગ મેસિફ પહાડીની નીચે ‘બ્રૂનિગ મેગા સેફ’ નામનો આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે.
આ કોમ્પ્લેક્સ જમીનની 100 મીટરથી પણ વધુ ઊંડાઈએ બનાવવામાં આવી રહ્યો છે. અહીં 20થી 24 ખાનગી ભૂગર્ભ રૂમ તૈયાર કરવામાં આવશે, જેમાં સોનું, મોંઘી કાર, કિંમતી કલાકૃતિઓ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ સુરક્ષિત રાખી શકાશે. મોટા સંકટ સમયે માલિકો માટે અહીં રહેવાની પણ વ્યવસ્થા રહેશે.
શરૂઆતની કિંમત રૂ.5.8 કરોડ
આ ભૂગર્ભ રૂમ વેચવામાં નહીં આવે, પરંતુ 99 વર્ષની લીઝ પર આપવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ એક રૂમની શરૂઆતની કિંમત આશરે 5 લાખ સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ રૂ.5.8 કરોડ રહેશે. જ્યારે મોટા રૂમ માટે કિંમત આશરે 10 લાખ સ્વિસ ફ્રેંક સુધી પહોંચી શકે છે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ સ્વિસ ઉદ્યોગપતિ થોમસ ગૈસર કરી રહ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ આગામી વર્ષથી આ સુવિધા શરૂ થઈ શકે છે.
સ્વિસ નેશનલ બેંક જેવી સુરક્ષા વ્યવસ્થા
‘બ્રૂનિગ મેગા સેફ’ની સૌથી મોટી વિશેષતા તેની અત્યંત મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. કોમ્પ્લેક્સમાં પ્રવેશ માટે સુરક્ષિત ગેટ રાખવામાં આવશે અને અનેક સ્તરે સુરક્ષા તપાસ કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે ગ્રાહકો પોતાની મોંઘી કાર સુરંગના રસ્તે સીધી પોતાના ખાનગી રૂમ સુધી લઈ જઈ શકશે. કંપનીનો દાવો છે કે અહીંની સુરક્ષા વ્યવસ્થા સ્વિસ નેશનલ બેંકમાં ઉપયોગમાં લેવાતી સુરક્ષા પ્રણાલી જેવી હશે.
જ્યાં રેસ્ટોરન્ટ અને ટ્રેનિંગ સેન્ટર હતું ત્યાં હવે બંકર
જે ભૂગર્ભ સ્થળે આ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે, ત્યાં અગાઉ રેસ્ટોરન્ટ અને કાર્યક્રમો માટેનું સ્થળ હતું. અહીં શૂટિંગ રેન્જ અને ફાયરફાઇટર ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત હતાં.
આ પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં પણ અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે સંકટના સમયમાં સુરક્ષિત રહેવા માટે આવી સુવિધા ઉપયોગી બની શકે છે, જ્યારે કેટલાક સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મૂડીપતિઓ માટે આટલી મોંઘી ભૂગર્ભ સુવિધાની ખરેખર કેટલી જરૂર છે.








