રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યા બાદ રશિયાએ પણ યુક્રેનના અનેક વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોનથી જોરદાર હુમલા કર્યા હતા. આ હુમલામાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપ સાથે જોડાયેલી ફેક્ટરીને પણ નુકસાન પહોંચ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે રાતોરાત યુક્રેનના 822 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સેર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, આશરે 600 ડ્રોન મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા, જેમાંથી અનેક ડ્રોનને શહેર અને આસપાસના વિસ્તારમાં જ હવામાં નષ્ટ કરવામાં આવ્યા હતા.
રશિયામાં થયેલા ડ્રોન હુમલામાં જાનમાલનું પણ નુકસાન થયું છે. પોડોલ્સ્ક શહેરમાં ઓનલાઈન રિટેલ કંપની વાઈલ્ડબેરીઝના ગોડાઉનમાં આગ લાગી હતી. રોસ્તોવ વિસ્તારમાં 150થી વધુ ડ્રોન હુમલામાં પાંચ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.
ક્રિવી રિહમાં મિત્તલ ગ્રુપની ફેક્ટરી નિશાન બની
યુક્રેનના ક્રિવી રિહ શહેરમાં આવેલા આર્સેલર મિત્તલ ક્રિવી રિહ પ્લાન્ટ પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો હતો. આ પ્લાન્ટ ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના આર્સેલર મિત્તલ ગ્રુપનો હિસ્સો છે.
કંપનીના પ્રવક્તાએ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે મિસાઈલ હુમલાથી પ્લાન્ટને નુકસાન થયું છે. કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેક્ટરીનું કામકાજ હાલ આંશિક રીતે અટકાવી દેવામાં આવ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, ક્રિવી રિહમાં થયેલા રશિયન હુમલામાં 2 લોકોનાં મોત અને 14 લોકો ઘાયલ થયા છે. સૂમી અને દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં પણ થયેલા હુમલામાં અન્ય ત્રણ લોકોનાં મોત થયાં હોવાનું જણાવાયું છે.
યુક્રેનના મોટા ડ્રોન હુમલા બાદ રશિયાના આ વળતા હુમલાથી બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.








