વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉપયોગ કર્યા બાદ સોશિયલ મીડિયામાં આ શબ્દને લઈને નવું ડિજિટલ કેમ્પેઇન શરૂ થયું છે.
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) બાદ હવે ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ અને ‘દિમાગી નક્સલ પાર્ટી’ નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચર્ચામાં આવ્યા છે. Instagram પરના એકાઉન્ટે માત્ર 24 કલાકમાં 1.9 લાખથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ કેમ્પેઇનનું સ્લોગન ‘સોચો, રિસર્ચ કરો, વિરોધ કરો’ રાખવામાં આવ્યું છે. કેમ્પેઇન દ્વારા રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર સવાલ ઉઠાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ એકાઉન્ટ્સ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ધ્રુવ રાઠી અને કુણાલ કામરા જેવા જાણીતા ચહેરાઓને ફોલો કરે છે.
આ મહિને જ બનાવાયેલા આ એકાઉન્ટના સંચાલકની ઓળખ હજુ જાહેર થઈ નથી. PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ નબળા પડ્યા છે, પરંતુ ‘દિમાગી નક્સલ’ હજુ પણ દેશને ખોટા રસ્તે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ નિવેદન બાદ રાજકીય વિવાદ પણ વકર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પલટવાર કરતાં કહ્યું કે જો સરકાર તેમને ‘દિમાગી નક્સલ’ કહે છે તો તેમને આ સંબોધન પર ગર્વ છે.
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘દિમાગી નક્સલ’ શબ્દ એવા લોકો માટે વપરાયો છે, જેઓ માઓવાદીઓને સમર્થન આપે છે, ભારતીય બંધારણને સ્વીકારતા નથી અને અલગાવવાદીઓની સાથે ઊભા રહે છે.
PM મોદીના નિવેદનથી શરૂ થયેલો રાજકીય વિવાદ હવે સોશિયલ મીડિયામાં નવા નામ અને નવા ડિજિટલ કેમ્પેઇનના રૂપમાં જોવા મળી રહ્યો છે.








