ખાંડના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી કિલો ખાંડ રૂ.70ને પાર : એક મહિનામાં રૂ.20નો ઉછાળો, હજુ રૂ.5 મોંઘી થવાની શક્યતા

ખાંડ અને ગોળના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીએ હવે વિક્રમી સપાટી હાંસલ કરી છે. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય પરિવાર માટે ખાંડ પણ મોંઘી બનતા ઘરનું બજેટ ખોરવાયું છે. વેપારીઓના મતે જો ખાંડની આયાતમાં વધારો નહીં થાય તો આગામી દિવસોમાં કિલોદીઠ વધુ રૂ.4થી 5નો ભાવવધારો થઈ શકે છે.

= બે દિવસમાં જ ક્વિન્ટલે રૂ.800નો ઉછાળો

રાજકોટના ખાંડ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ જીણી ખાંડનો હોલસેલ ભાવ આજે રૂ.6,800થી 6,900 પ્રતિ ક્વિન્ટલ અને મીડીયમ ખાંડનો ભાવ રૂ.6,900થી 7,000 રહ્યો હતો.

ગુરુવારે જીણી ખાંડ રૂ.6,150થી 6,250 અને મીડીયમ ખાંડ રૂ.6,250થી 6,350 પ્રતિ ક્વિન્ટલ હતી. આમ માત્ર બે દિવસમાં જ ક્વિન્ટલે આશરે રૂ.800નો ભાવવધારો નોંધાયો છે.

= રિટેલ ભાવ રૂ.70, હવે રૂ.72ની શક્યતા

રાજકોટમાં ખાંડનો રિટેલ ભાવ હાલમાં રૂ.70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જૂના સ્ટોકના કારણે કેટલાક વેપારીઓ હજુ આ ભાવે વેચાણ કરી રહ્યા છે.

જોકે હાલના હોલસેલ ભાવને જોતા રિટેલમાં ખાંડનો ભાવ રૂ.72 પ્રતિ કિલો સુધી પહોંચવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

= માત્ર એક મહિનામાં રૂ.20 મોંઘી

છેલ્લા ચાર મહિનાથી ખાંડના ભાવમાં તેજી જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા એક મહિનામાં ભાવવધારાએ તમામને ચોંકાવી દીધા છે. માત્ર એક મહિનામાં જ કિલોદીઠ રૂ.20નો વધારો થયો છે.

વેપારીઓનું કહેવું છે કે અગાઉ ક્યારેય આટલી ઝડપી તેજી અને આટલા ઊંચા ભાવનો અનુભવ થયો નથી.

= 10 લાખ ટન આયાતથી પણ તાત્કાલિક રાહત નહીં

સરકારે 10 લાખ ટન ખાંડની આયાત કરવાનો નિર્ણય લીધો છે અને સ્ટોક લિમિટ પણ કડક કરવામાં આવી છે. જોકે તેની તાત્કાલિક અસર બજારમાં જોવા મળી નથી.

વેપારીઓના મતે આયાતનો જથ્થો વધારવામાં આવે તો બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે અને ભાવવધારા પર નિયંત્રણ આવી શકે છે. અન્યથા હજુ કિલોદીઠ રૂ.4થી 5નો વધારો થઈ શકે છે.

= રાજકોટમાં સ્ટોક છે, છતાં ભાવ આસમાને

રાજકોટ માર્કેટમાં હાલ ખાંડની કોઈ ખાસ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેમ છતાં દેશવ્યાપી બજારના ટ્રેન્ડને કારણે ભાવ સતત વધી રહ્યા છે.

ખાંડના ભાવમાં આવેલી આ બેફામ તેજીએ સામાન્ય વર્ગની મુશ્કેલી વધારી છે, ત્યારે હવે સરકારી પગલાં બજારમાં કેટલી ઝડપથી અસર કરે છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર છે.

Leave a Comment