અખિલેશ-માયાવતી સહિત એક ડઝન નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ : જોખમને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય નેતાઓની સુરક્ષાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. રાજ્યના લગભગ એક ડઝન જેટલા અગ્રણી નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને આ નેતાઓની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
= અખિલેશ અને માયાવતી સહિત અનેક નેતાઓ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ઉત્તરપ્રદેશના કેટલાક ચર્ચિત નેતાઓને સુરક્ષા માટે બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવ્યા છે. તેમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી ઉપરાંત મંત્રીઓ જયવીરસિંહ, સુરેશ ખન્ના, નંદ ગોપાલ ગુપ્તા ‘નંદી’, ઓમપ્રકાશ રાજભર અને ડો. સંજય નિષાદનો સમાવેશ થાય છે.
= સંગીત સોમ સહિતના નેતાઓને પણ ખાસ સૂચના
સુરેશ રાણા અને સંગીત સોમ સહિતના કેટલાક નેતાઓને ભીડભાડવાળા કાર્યક્રમો દરમિયાન બુલેટપ્રૂફ જેકેટ પહેરવાની સૂચના આપવામાં આવી હોવાની માહિતી છે.
ચૂંટણીના માહોલમાં મોટી રેલીઓ અને જાહેર સભાઓ યોજાતી હોવાથી સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને આ સાવચેતી રાખવામાં આવી રહી છે.
= યુપીની સંવેદનશીલ રાજકીય સ્થિતિ વચ્ચે નિર્ણય
ઉત્તરપ્રદેશ રાજકીય રીતે સંવેદનશીલ રાજ્ય હોવાથી ચૂંટણી દરમિયાન નેતાઓની જાહેર સભાઓમાં મોટી ભીડ એકત્ર થતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ચૂંટણી પહેલાં અગ્રણી નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ અપાતા યુપીમાં રાજકીય ગરમાવો સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ચર્ચાનો વિષય બની છે.









