સગીરો માટે સોશિયલ મીડિયા પર અંકુશની તૈયારી: 18 વર્ષથી ઓછી ઉંમરે એકાઉન્ટ ખોલવા પર નિયમન આવશે

નવી દિલ્હી: 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર કાયદાકીય નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું કે સગીરો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા અને તેનો ઉપયોગ કરવા અંગે નિયમન માટે કાયદાકીય જોગવાઈઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રને હાલના કાયદાકીય માળખા હેઠળ યોગ્ય નિયમો ઘડવા અંગે વિચારવા જણાવ્યું હતું. કેસની સુનાવણી Just Rights for Children Alliance દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં થઈ રહી છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે ચર્ચા કરી રહી હોવાનું જણાવ્યું હતું. સગીરો માટે એકાઉન્ટ બનાવતી વખતે માતા-પિતા અથવા કાનૂની વાલીનો સંમતિ મિકેનિઝમ અને ઉંમરની ચકાસણી જેવા પગલાં અંગે વિચારણા થઈ રહી છે.

શૈક્ષણિક પ્લેટફોર્મ અંગે પણ વિચારણા

આ મામલો માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેવાનો નથી. અરજીમાં અન્ય ડિજિટલ અને શૈક્ષણિક પ્લેટફોર્મ પર સગીરોના સ્વતંત્ર એકાઉન્ટ તથા કરાર અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અદાલતે સગીરો સ્વતંત્ર રીતે ડિજિટલ પ્લેટફોર્મની શરતો સ્વીકારી શકે કે નહીં અને માતા-પિતાની સંમતિ કેવી રીતે જરૂરી બને તે અંગે કાયદાકીય માળખું તપાસવાની દિશા દર્શાવી છે.

અરજદાર પક્ષે દલીલ કરી છે કે ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સગીર ગણાય છે, જ્યારે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 13 વર્ષની ઉંમરથી એકાઉન્ટ બનાવવાની મંજૂરી હોય છે. આ કારણે ઉંમર ચકાસણી, માતા-પિતાની સંમતિ અને સગીરો સાથેના ડિજિટલ કરાર અંગે વધુ સ્પષ્ટ કાયદાકીય વ્યવસ્થા જરૂરી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મુદ્દે કાયદાકીય માળખા હેઠળ જરૂરી પગલાં લેવા કહ્યું છે. હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવ્યો નથી; સરકાર નિયમન માટેની પ્રક્રિયા અંગે વિચાર કરી રહી છે.

Leave a Comment

और पढ़ें