વૈશ્વિક તણાવ વચ્ચે શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોને મોટો ફટકો પડ્યો. સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે 700 પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹4 લાખ કરોડનો ઘટાડો થયો હતો. બીજી તરફ સોનું ₹1.50 લાખના સ્તરથી નીચે સરક્યું, જ્યારે રૂપિયો પણ બે મહિનાના તળિયે પહોંચ્યો હતો.
મધ્યપૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની આશા નબળી પડતાં બજારમાં ગભરાટ વધ્યો હતો. સાથે જ ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો અને વિદેશી રોકાણકારોની વેચવાલીની પણ બજાર પર અસર જોવા મળી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 614 પોઈન્ટ ઘટીને 72,157 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તે 72,684ની ઊંચી સપાટી અને 72,064ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 181 પોઈન્ટ ઘટીને 22,598 પર બંધ રહ્યો હતો.
સેક્ટર અને શેરોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. કેટલીક કંપનીઓના શેરમાં સુધારો નોંધાયો હતો, જ્યારે HDFC બેંક, રિલાયન્સ, SBI, ICICI બેંક, વોડાફોન, કેનેરા બેંક, સુઝલોન અને ટાટા કેપિટલ સહિતના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
કોમોડિટી માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી. વાયદામાં સોનું ₹735 ઘટીને ₹1,46,065 અને ચાંદી ₹2,270 ઘટીને ₹2,25,170 પર પહોંચી હતી. બીજી તરફ WTI ક્રૂડ $94.13 અને બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલ આસપાસ હતું.
કરન્સી માર્કેટમાં પણ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 13 પૈસા નબળો પડીને 96.12ના સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક તણાવ, ઊંચા ક્રૂડ ભાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે નજીકના ગાળામાં બજારમાં અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.








