મુંબઈ: ટાટા સન્સને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC)નો દરજ્જો જાળવી રાખવામાં મુશ્કેલી ઊભી થતાં કંપની અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે કાનૂની ટકરાવની શક્યતા વધી છે. ટાટા સન્સ RBIના આદેશ સામે મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને RBIએ હાઈકોર્ટમાં કેવીએટ દાખલ કરી છે. એટલે ટાટા સન્સ કોઈ અરજી કરે તો તેના પર આદેશ આપતા પહેલાં હાઈકોર્ટે રિઝર્વ બેંકનો પક્ષ પણ સાંભળવો પડશે.
ટાટા સન્સે IPO લાવવો પડી શકે
RBIના નિયમો મુજબ ટાટા સન્સે નોન-બેન્કિંગ ક્રેડિટ કંપની તરીકેનો દરજ્જો છોડીને પબ્લિક લિમિટેડ કંપની બનવાની પ્રક્રિયા હાથ ધરવી પડી શકે છે. આ માટે સેબીના નિયમો અનુસાર કંપનીના શેર જાહેર રોકાણકારો માટે ઉપલબ્ધ કરાવવા IPO લાવવાની જરૂર પડી શકે છે.
ટાટા સન્સ ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની છે અને TCS, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ તથા એર ઈન્ડિયા સહિતની કંપનીઓમાં તેનું મોટું હોલ્ડિંગ છે.
રૂ.1 લાખ કરોડની એસેટ મર્યાદાનો મુદ્દો
RBIના નિયમો અનુસાર નોન-બેન્કિંગ લેન્ડરની એસેટ્સ રૂ.1 લાખ કરોડથી વધુ થાય તો તેને પબ્લિક લિમિટેડ કંપની બનવાની જોગવાઈ લાગુ પડે છે. માર્ચ 2025 સુધીમાં ટાટા સન્સનું હોલ્ડિંગ આશરે રૂ.1.75 લાખ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
ટાટા સન્સે હવે આ મામલે કાનૂની વિકલ્પો અજમાવવાની તૈયારી કરી હોવાની ચર્ચા વચ્ચે RBIએ પહેલેથી જ કેવીએટ દાખલ કરી છે. જેથી હાઈકોર્ટમાં મામલો પહોંચે તો એકતરફી આદેશની શક્યતા ઘટી જાય.
ટાટા કેમિકલ્સના શેરમાં 20%નો ઉછાળો
ટાટા સન્સના પબ્લિક લિમિટેડ કંપની બનવાની શક્યતા વચ્ચે ટાટા કેમિકલ્સના શેરમાં પણ ભારે તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. રોકાણકારો ટાટા સન્સના સંભવિત IPO અને ગ્રુપની હોલ્ડિંગ કંપનીના માળખામાં થનારા ફેરફારને મહત્વપૂર્ણ માની રહ્યા છે.









