‘PM મોદીનું શાસન અંતિમ તબક્કામાં, અનુગામીની શોધ શરૂ’ઃ રાહુલ ગાંધીનો દાવો
નવી દિલ્હી: ‘વંદે માતરમ’ના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે PM મોદીનું શાસન હવે અંતિમ તબક્કામાં છે અને તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું કે સરકાર સંપૂર્ણપણે બેકફૂટ પર છે. તેમણે કોંગ્રેસને હવે વધુ આક્રમક અભિગમ અપનાવી સરકારને સતત રાજકીય રીતે ઘેરવાની અપીલ કરી હતી.
‘કોંગ્રેસે પોતાની તાકાત જાળવી રાખવી પડશે’
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને એકજૂથ રહેવા અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે અનેક રાજકીય પક્ષોમાં આંતરિક રીતે તૂટફૂટ થઈ રહી છે, જ્યારે કોંગ્રેસ સંગઠિત છે. કોંગ્રેસની આ તાકાત જાળવી રાખવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં રાહુલ ગાંધીના આ નિવેદનથી પક્ષની આગામી રાજકીય રણનીતિને લઈને પણ ચર્ચા તેજ થવાની શક્યતા છે.
ખડગેનો પણ કેન્દ્ર સરકાર પર હુમલો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 12 વર્ષમાં કેન્દ્રની નીતિઓને કારણે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ થયું છે.
ખડગેએ દાવો કર્યો કે 94 હજાર શાળાઓ બંધ થઈ છે અને યુવાનોમાં સરકાર સામેનો અસંતોષ વધી રહ્યો છે.
‘વંદે માતરમ’ વિવાદ વચ્ચે કોંગ્રેસની આ બેઠકમાં કેન્દ્ર સરકાર સામે વધુ આક્રમક રાજકીય વલણ અપનાવવાના સંકેતો મળ્યા છે.








