વોશિંગ્ટન: અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું પ્રથમવાર 40 ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી ગયું છે. અમેરિકન ટ્રેઝરીના આંકડા મુજબ 19 ઓગસ્ટે કુલ દેવું આ ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું. છેલ્લા એક દાયકામાં અમેરિકાનું દેવું બમણું થયું છે.
અમેરિકાના કુલ દેવામાં આશરે 32.3 ટ્રિલિયન ડોલર જાહેર દેવું અને 7.8 ટ્રિલિયન ડોલર આંતર-સરકારી હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. 2017માં દેવું આશરે 20 ટ્રિલિયન ડોલરની આસપાસ હતું.
વ્યાજખર્ચ બની રહ્યો છે મોટો બોજ
અમેરિકાના વધતા દેવા સાથે તેના પર ચૂકવવાનો વ્યાજખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. વ્યાજની ચુકવણી હવે અમેરિકન સરકારના બીજા સૌથી મોટા ખર્ચ તરીકે સામે આવી છે અને તે મેડિકેરના ખર્ચને પણ વટાવી ગઈ છે.
નિષ્ણાતોનું માનવું છે કે ઊંચું દેવું અને વધતા વ્યાજદર અમેરિકાના બજેટ પર ભારે દબાણ ઊભું કરી રહ્યા છે. લાંબા ગાળાના અમેરિકી ટ્રેઝરી બોન્ડના યીલ્ડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે સરકાર માટે નવી લોન લેવાનો ખર્ચ વધી રહ્યો છે.
કોરોના બાદ દેવામાં ઝડપથી વધારો
અમેરિકાનું દેવું વધવાનું કારણ માત્ર ટ્રમ્પ સરકારની નીતિઓ નથી. કોરોના મહામારી દરમિયાન થયેલો વિશાળ સરકારી ખર્ચ, ત્યારબાદના બજેટ ખાધ, ટેક્સ-ખર્ચનું અસંતુલન તેમજ સોશિયલ સિક્યોરિટી, મેડિકેર અને વ્યાજખર્ચમાં વધારો પણ મહત્વના કારણો છે. ટ્રમ્પ અને બાઇડન બંનેના કાર્યકાળ દરમિયાન દેવામાં મોટો વધારો થયો છે.
40 ટ્રિલિયન ડોલરનો આ આંકડો અમેરિકાની નાણાકીય સ્થિતિ માટે મોટો ચેતવણી સંકેત માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે દેવું ઘટાડવા માટે લાંબા ગાળાની નાણાકીય શિસ્ત અને ખર્ચ-આવક વચ્ચેનું સંતુલન જરૂરી બન્યું છે.








