મેઘતાંડવની ચેતવણી વચ્ચે ગુજરાત હાઈ એલર્ટ: અમદાવાદ-વડોદરા-નવસારીની શાળાઓમાં રજા, 8 જિલ્લામાં રેડ એલર્ટ

ચાર હવામાન સિસ્ટમ સક્રિય; NDRF સહિત બચાવ દળોને સ્ટેન્ડબાય, આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદના નવા રાઉન્ડની આગાહીને પગલે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરતાં અમદાવાદ, વડોદરા અને નવસારીની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજથી 2 ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. NDRF, SDRF અને અન્ય બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવા સાથે તમામ સંબંધિત વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.

રાહત કમિશનરે જર્જરિત મકાનો, જોખમી હોર્ડિંગ્સ અને નબળા વીજ માળખાં અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સતર્ક રાખવા નિર્દેશ આપ્યા છે. જરૂર પડે ત્યાં આગોતરા સ્થળાંતરની તૈયારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાત પર હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ચાર હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વધી છે. વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें