અમદાવાદ: ગુજરાતમાં એકાદ સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા ખેડૂતોને પાક અને પાણીના મોરચે રાહત મળવાની આશા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહીસાગરના ગોધરામાં સવા બે ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડ, નવસારી, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદનો વ્યાપ વધુ રહ્યો હતો.
મધ્યપ્રદેશ પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ફરી સક્રિય બની છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.
ગુજરાત-મધ્યપ્રદેશ અને ગુજરાત-રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે સવારથી અમદાવાદ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, નવસારી અને દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. બાલાસિનોરમાં બે કલાકમાં 1.30 ઇંચ, ગોધરામાં 1.26 ઇંચ અને દેહગામમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો હતો. કુલ 55 તાલુકામાં ઝાપટાથી મધ્યમ વરસાદ થયો હતો.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 70.60 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા, મધ્ય ગુજરાતમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા અને કચ્છમાં 29.05 ટકા વરસાદ નોંધાયો છે.
જોકે રાજ્યના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હોવા છતાં હજુ 10 તાલુકામાં પાંચ ટકાથી પણ ઓછો વરસાદ થયો છે. તેમાંથી ત્રણ તાલુકામાં બે ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેશે. નવી સિસ્ટમ વિકસે તો આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.








