51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા અને વિશેષ શૃંગાર સાથે ભક્તો માટે વિશેષ આયોજન
સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 13 ઓગસ્ટ 2026થી 11 સપ્ટેમ્બર 2026 સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ભક્તિ, ભજન અને ધાર્મિક કાર્યક્રમોનો વિશેષ માહોલ જોવા મળશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણના ચાર સોમવાર સહિત રક્ષાબંધન, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા પર્વોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે દર્શન, ભોજન, રહેવા અને યાત્રી સુવિધાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો પણ આ યજ્ઞમાં જોડાઈ શકશે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સ્લોટમાં યજ્ઞનું આયોજન કરવામાં આવશે.
યજ્ઞમાં જોડાવા માટે વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને પરંપરાગત વસ્ત્રોમાં યજ્ઞમાં ભાગ લેવાની સુવિધા પણ આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકોને પણ યજ્ઞ સાથે જોડવામાં આવી રહ્યા છે.
દરરોજ ભગવાન સોમનાથનો વિશેષ શૃંગાર
શ્રાવણ દરમિયાન ભગવાન સોમનાથ મહાદેવને દરરોજ અલગ-અલગ વિશેષ શૃંગાર કરવામાં આવશે. તેમાં સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રૂદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક શૃંગારનો સમાવેશ થાય છે.
પાલખીયાત્રાનું પણ વિશેષ આયોજન
શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત આ વર્ષે પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવશે. હજારો શિવભક્તો આ પાલખીયાત્રામાં જોડાઈ શકશે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધા
વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકો માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. વ્હીલચેર, ગોલ્ફ કાર્ટ અને સહાયક સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આવા યાત્રિકોને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
ઓનલાઈન પૂજા અને દર્શનની સુવિધા
ભક્તો Somnath.org મારફતે વિવિધ પૂજા, બિલ્વ પૂજા, મહામૃત્યુંજય યજ્ઞ, શૃંગાર દર્શન સહિતની સેવાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. સોમનાથ આવી ન શકતા ભક્તો માટે ઓનલાઈન સંકલ્પની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
શ્રાવણ દરમિયાન સોમનાથ મહાદેવની આરતી અને દર્શનનો લાભ સોશિયલ મીડિયા મારફતે પણ ભક્તોને મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
લાખો શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત વ્યવસ્થા
શ્રાવણ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વધારાનો સ્ટાફ, પોલીસ બંદોબસ્ત, પીવાના પાણીના પોઈન્ટ, ક્લોકરૂમ, પ્રસાદ અને નિઃશુલ્ક ભોજનાલય સહિતની વ્યવસ્થા વધારવામાં આવી છે.
મંદિરની સુરક્ષા માટે ફાયર સેફ્ટી સિસ્ટમ, અગ્નિશામક સાધનો અને ફર્સ્ટ એડની સુવિધા પણ તૈયાર રાખવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા કેટલાક માર્ગોને એકમાર્ગીય રાખવામાં આવશે અને પાર્કિંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે.
‘વંદે સોમનાથ’ કલા મહોત્સવ
શ્રાવણના દરેક સોમવારે સોમનાથ મહાદેવ સમક્ષ રાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતની કલા આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સહયોગથી યોજાશે.
શ્રાવણ મહોત્સવ દરમિયાન સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક અને યાત્રી સુવિધા જળવાઈ રહે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા સંકલિત વ્યવસ્થા કરવામાં આવી છે.








