શેરબજારમાં 9 દિવસ બાદ 700 પોઈન્ટની તેજી, સોનામાં રૂ.4,000-ચાંદીમાં રૂ.10,000નો ઉછાળો

મુંબઈ: છેલ્લા નવ ટ્રેડિંગ સેશનથી ચાલી રહેલી શેરબજારની મંદી પર આજે બ્રેક લાગી હતી. બજારમાં તમામ ક્ષેત્રોમાં લેવાલી જોવા મળતાં સેન્સેક્સમાં લગભગ 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારની સાથે સોના-ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી આવી હતી, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધીને 94 ડોલરની નજીક પહોંચી ગયા હતા.

બજારની શરૂઆત જ પોઝિટિવ ટોન સાથે થઈ હતી. હેવીવેઈટ શેરોથી લઈને અન્ય શેરોમાં પણ ખરીદીનો માહોલ રહ્યો હતો. MCX, પ્રીમિયર એનર્જી, મોતીલાલ ઓસવાલ, HDFC બેંક, યસ બેંક, સુઝલોન, બલરામપુર ચીની, ITC, ટાટા કેપિટલ અને વારી એનર્જી જેવા શેરોમાં તેજી નોંધાઈ હતી.

જોકે, REC, PFC, ભારત ડાયનેમિક્સ, GMR એરપોર્ટ્સ, BSE, વોડાફોન, સન ટીવી અને પતંજલિ સહિતના કેટલાક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 647 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 647 પોઈન્ટના ઉછાળા સાથે 77,557ના સ્તરે રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 77,611ની ઊંચી અને 77,371ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

નિફ્ટીમાં પણ 157 પોઈન્ટનો વધારો થયો હતો અને તે 24,235ના સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમિયાન નિફ્ટીએ 24,265ની ઊંચી અને 24,184ની નીચી સપાટી નોંધાવી હતી.

સોના-ચાંદીમાં પણ ધમાકેદાર તેજી

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 4,493 ડોલર રહ્યો હતો. સ્થાનિક હાજર બજારમાં સોનાના ભાવ રૂ.4,000 વધીને રૂ.1,61,700 થયા હતા, જ્યારે વાયદામાં ભાવ રૂ.1,58,275 રહ્યા હતા.

ચાંદીમાં પણ રૂ.10,000નો મોટો ઉછાળો નોંધાયો હતો. હાજર ચાંદી રૂ.2,44,900 અને વાયદાની ચાંદી રૂ.2,38,865ના સ્તરે પહોંચી હતી. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ 66.60 ડોલર રહ્યો હતો.

ક્રૂડ ઓઈલ પણ મોંઘું

ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. WTI ક્રૂડ 86.42 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 93.83 ડોલરના સ્તરે પહોંચ્યું હતું.

ગઈ રાત્રે વૈશ્વિક બજારમાં અચાનક ટ્રેન્ડ બદલાતા તેની અસર આજે વિવિધ એસેટ ક્લાસમાં જોવા મળી હતી. શેરબજારમાં નવ દિવસની મંદી બાદ આવેલી આ તેજીથી રોકાણકારોમાં ફરી આશાવાદ જોવા મળ્યો હતો.

Leave a Comment