રશિયાના ગેસ-કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ : 6 ચીની નાગરિકો સહિત 7નાં મોત, 9 કામદારો લાપતા

અમુર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં કમિશનિંગ દરમિયાન વિસ્ફોટ : આગ પર કાબૂ મેળવાયો, તપાસ શરૂ

મોસ્કો: રશિયાના ચીનની સરહદ નજીક આવેલા અમુર વિસ્તારમાં મંગળવારે એક ગેસ-કેમિકલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. સ્વોબોડની વિસ્તારમાં આવેલા અમુર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં પ્લાન્ટની અંતિમ પરીક્ષણ અને કમિશનિંગ પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન મુખ્ય પાયરોલિસિસ યુનિટના સહાયક તકનીકી વિભાગમાં અચાનક વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી.

આ ગંભીર દુર્ઘટનામાં 6 ચીની નાગરિકો સહિત કુલ 7 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 9 અન્ય ચીની કામદારો હજુ લાપતા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં જ બચાવ દળો અને ઇમરજન્સી સેવાઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. પ્લાન્ટની પ્રેસ સર્વિસના જણાવ્યા મુજબ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને લાપતા કામદારોની શોધખોળ તથા અન્ય રાહત કામગીરી ચાલુ છે.

રશિયા અને ચીનનો મહત્વનો પ્રોજેક્ટ

અમુર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સ રશિયા અને ચીન વચ્ચેનો મહત્વપૂર્ણ સંયુક્ત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં રશિયાની પેટ્રોકેમિકલ કંપની સિબુરનો 60 ટકા, જ્યારે ચીનની સરકારી કંપની સિનોપેકનો 40 ટકા હિસ્સો છે. આ સંકુલને વિશ્વની સૌથી મોટી પ્રસ્તાવિત પોલિમર ઉત્પાદન સુવિધાઓમાંથી એક ગણવામાં આવે છે.

પ્લાન્ટમાં અંતિમ તબક્કાની પરીક્ષણ અને કમિશનિંગ કામગીરી દરમિયાન જ વિસ્ફોટ થયો હતો. જેના કારણે મુખ્ય યુનિટના આસપાસના વિસ્તારમાં આગ ફેલાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્લાન્ટની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઔદ્યોગિક સલામતીના નિયમોની તપાસ

ઘટના બાદ રશિયન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે કોઈ ડ્રોન હુમલો અથવા બાહ્ય હુમલો થયાના પુરાવા મળ્યા નથી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેષ તપાસ કમિશનની રચના કરવામાં આવી છે.

તપાસ કમિશન દ્વારા વિસ્ફોટ પાછળ ટેકનિકલ ખામી, સલામતી વ્યવસ્થામાં ચૂક અથવા ઔદ્યોગિક સુરક્ષાના નિયમોના સંભવિત ઉલ્લંઘન સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, બચાવ ટીમો લાપતા કામદારોની શોધખોળમાં લાગી છે અને ઘટનામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન પણ શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें