શાપર સહિત દેશભરમાં મોબાઈલ ટાવરના રીમોટ યુનિટ ચોરતી ગેંગનો પર્દાફાશ

મેરઠનો મુખ્ય સૂત્રધાર અને જમ્મુના બે એન્જિનિયર ઈન્દોરથી ઝડપાયા : ચોરાયેલા ડિવાઇસ રશિયા મોકલાતા હોવાનો ખુલાસો

રાજકોટ: શાપર સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી કિંમતી AZNA રીમોટ રેડિયો યુનિટ ચોરી કરતી ગેંગનો શાપર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મેરઠના મુખ્ય સૂત્રધાર ફારૂક ઉર્ફે ફરમાન અન્સારી તેમજ રાજકોટમાં રહેતા જમ્મુના બે એન્જિનિયરોની ધરપકડ કરી છે. ચોરાયેલા ડિવાઇસ દિલ્હી મારફતે રશિયા સહિતના વિદેશોમાં મોકલવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, શાપર વિસ્તારમાં ઇન્ડસ કંપની દ્વારા ઉભા કરાયેલા મોબાઈલ ટાવર પરથી નોકિયા કંપનીના બે AZNA રીમોટ રેડિયો યુનિટની રૂ.1.20 લાખની કિંમતની ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સોએ ટાવર પર ચડીને વાયર કાપી બંને યુનિટ કાઢી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા શાપર પોલીસે તપાસ શરૂ કરી હતી.

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અને શાપર પીઆઈ આર.બી. રાણાની રાહબરી હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ગેંગના સભ્યો ઈન્દોરમાં હોવાની બાતમી મળતાં કાર્યવાહી કરી **ફારૂક ઉર્ફે ફરમાન ઉર્ફે કાળુ અયુબખાન અન્સારી (ઉ.વ.28, મેરઠ), સંગ્રામસિંહ ઉર્ફે વિશાલ પાજી લહેરસિંહ રાજપુત (ઉ.વ.31) અને સુમીતસિંહ શ્યામસિંહ રાજપુત (ઉ.વ.27)**ને ઝડપી પાડ્યા હતા.

ટાવરમાં કામ કરતા એન્જિનિયરો આપતા હતા ચોરીની ટીપ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટના ગોપાલ ચોક વિસ્તારમાં રહેતા અને મૂળ જમ્મુના બંને આરોપીઓ મોબાઈલ ટાવરમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેઓ કયા ટાવર પર કયા પ્રકારના AZNA રીમોટ રેડિયો યુનિટ લગાવવામાં આવ્યા છે અને તેની ચોરી કઈ રીતે કરી શકાય તેની માહિતી ગેંગના સભ્યોને આપતા હતા.

ટીપ મળ્યા બાદ ગેંગના અન્ય સભ્યો મોબાઈલ ટાવર પર ચડી જતા હતા અને ચાલુ પાવર દરમિયાન ડિવાઇસ સાથે જોડાયેલા ઇલેક્ટ્રિક વાયર કાપીને યુનિટને ટાવરથી અલગ કરી દેતા હતા. ત્યારબાદ ડિવાઇસને ટાવર પરથી નીચે ઉતારી ચોરીને અંજામ આપવામાં આવતો હતો.

અમદાવાદ અને રાજકોટ સહિત અનેક શહેરોમાં ચોરી

પોલીસના જણાવ્યા પ્રમાણે ગેંગ છેલ્લા બે મહિનાથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં સક્રિય હતી. અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવર પરથી AZNA રીમોટ રેડિયો યુનિટની ચોરી કરવામાં આવી હતી. ચોરાયેલા ડિવાઇસ કુરિયર મારફતે અલગ-અલગ શહેરોમાંથી દિલ્હી મોકલવામાં આવતા હતા.

દિલ્હી પહોંચ્યા બાદ આ ડિવાઇસ નિષ્ણાત લોકો મારફતે રશિયા સહિતના વિદેશોમાં મોકલવામાં આવતા હોવાની માહિતી આરોપીઓએ પોલીસ સમક્ષ આપી હોવાનું જાણવા મળ્યું છે. આથી પોલીસે હવે ગેંગના સમગ્ર નેટવર્ક, દિલ્હીમાં રહેલા સંપર્કો અને વિદેશ સુધી ડિવાઇસ પહોંચાડતી ચેન અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ ચાર શખ્સો ઝડપાયા હતા

મોબાઈલ ટાવરના રીમોટ યુનિટ ચોરીના અગાઉના કેસમાં પોલીસે જયદીપ વલ્લભ બાવળીયા, રાહુલ સુરેશ સતવાણી, ધર્મેશ ધીરૂ મેવાસિયા અને સચીન મીરસીંગ પુનિયાની ધરપકડ કરી હતી. હવે આ નવી ગેંગ ઝડપાતા મોબાઈલ ટાવરના સંવેદનશીલ ઉપકરણોની ચોરી પાછળ સક્રિય નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

શાપર પોલીસની કાર્યવાહીમાં પીઆઈ આર.બી. રાણા, પીએસઆઈ એસ.આર. પંડયા, એએસઆઈ દિવ્યરાજસિંહ સરવૈયા, અશ્વિનભાઈ વડારીયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાધલ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી વધુ ચોરીના ગુનાઓ અને ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें