રાજકોટમાં બ્લેક ફિલ્મ અને સફેદ LED લાઈટનું વેચાણ બંધ કરાવવા પોલીસની કડક કાર્યવાહી
રાજકોટ : શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠકમાં વાહનોમાં લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ, સફેદ LED લાઈટ તથા નંબર પ્લેટ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરના વાહનો તેમજ નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ અને સફેદ LED લાઈટ લગાવનારા વાહનચાલકો સામે ડ્રાઈવ ચાલુ રાખીને કડક કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો હતો.
ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી હોવી જરૂરી છે. તેમજ શોરૂમમાંથી બહાર આવતી કારના કાચ અને લાઈટમાં નિયમ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. કાર એસેસરીઝ એસોસિએશન સાથેની બેઠકમાં વર્ષ 2012ના સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે માહિતી આપી નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
એસેસરીઝ વેપારીઓને પણ સ્પષ્ટ સૂચના
કાર એસેસરીઝ એસોસિએશનના પ્રમુખ હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરતી સંપૂર્ણ બ્લેક ફિલ્મનું વેચાણ કરવામાં નહીં આવે. જોકે, કાયદાની મર્યાદામાં મંજૂર હોય તેવી ઓછી તીવ્રતાની ‘લો કેટેગરી’ ફિલ્મ અંગે આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે. LED લાઈટના મામલે પણ સરકારની ગાઈડલાઈન મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે.
2026માં 1.10 લાખથી વધુ ટ્રાફિક કેસ
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1,10,601 જેટલા કેસ કરવામાં આવ્યા છે અને રૂ.4,28,87,200નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 68,033 ઈ-ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આરટીઓ વિભાગે 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 225 વાહનચાલકોને નોટિસ પાઠવી છે અને 47 વાહનચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે.
હાઈવેના ગેરકાયદે મિડિયન ગેપ પણ બંધ કરાશે
રાજકોટને જોડતા હાઈવે પરના ગેરકાયદે મિડિયન ગેપ બંધ કરવા તેમજ તેને તોડનારા લોકો સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં લેફ્ટ ટર્ન વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે પણ સંબંધિત વિભાગોને જરૂરી કામગીરી કરવા જણાવાયું હતું.
હાઈ બીમ સામે પણ જાગૃતિ વધારાશે
રાત્રિના સમયે હાઈ બીમના કારણે થતા અકસ્માતોને રોકવા માટે કાર કંપનીઓ દ્વારા શહેરી વિસ્તારમાં હાઈ બીમનો ઉપયોગ ન કરવા અંગે વાહનના સ્ક્રીન અથવા ડેશબોર્ડ પર મેસેજ દર્શાવવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ સલામતી માટે શહેર પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા નિયમિત કામગીરી ચાલુ રાખવામાં આવશે.








